પૃષ્ઠ:Snehashristi.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮ : સ્નેહસૃષ્ટિ
 

પૂછ્યું :

‘કેમ જ્યોત્સ્ના ! શા વિચારમાં છે ?’

હવે જ્યોત્સ્ના વિચારમાંથી જાગી અને સુરેન્દ્રનું આગમન તેને સ્વપ્ન નહિ પણ સત્ય લાગ્યું.

‘હા, સુરેન્દ્ર ! હું વિચારમાં જ હતી… ગઈ કાલના. આવ, બેસ.’

‘જ્યોત્સ્ના ! એ જ મારું વૃંદાવન - કાલે તેં જોયું તે.’ બેસતે બેસતે સુરેન્દ્રે જવાબ આપ્યો.

‘આખું વૃંદાવન જોયું નહિ, ટુકડા જ જોયા. માત્ર ડોકિયું જ કર્યું ’ જ્યોત્સ્નાએ ગંભીરતાપૂર્વક કહ્યું.

છતાં એટલામાં તારી ખાતરી તો થઈ જ હશે કે તારા જેવી નિર્દોષ નિષ્પાપ, સુખનાં સ્વપ્ન જોતી યુવતીએ મારા એ જીવનથી - મારા એ વૃંદાવનથી દૂર દૂર રહેવું જોઈએ.

‘મને તો એમાં વધારે રસ પડ્યો, સુરેન્દ્ર !’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘જ્યોત્સ્ના ! એમાં રસ પડ્યો હોય તો એને એક વાર્તાની માફક વાંચી દૂર ફેંકી દે.’ સુરેન્દ્રે જરા વધારે ગાંભીર્યથી કહ્યું.

‘હું તો એવી વાર્તાઓને મારા તકિયા નીચે મૂકી રાખું છું. મને બહુ ગમી એ વાર્તા.’

‘ગમવાનો એ પ્રશ્ન નથી, જ્યોત્સ્ના ! એમાં ભયંકર જોખમનો પ્રશ્ન છે.’

‘ત્યારે તો એ વાર્તા કહેનારના જીવનને પણ મારે વધારે સ્પર્શ કરવો જોઈએ… કાંઈ નહિ તો એ વાત કહેનારની સંભાળ રાખવા.’ જ્યોત્સ્નાએ સહજ હસીને કહ્યું.

‘હું તો વાર્તા કહેતો નથી, વાર્તા દેખાડું છે. તને મારા કરતાં વધારે સરસ રીતે વાર્તા કહે એવો મિત્ર બતાવું !’

‘જાણી લઉ તો ખરી !’

‘મારા કરતાં મધુકર તને વધારે સરસ વાત કહેશે.’ બહુ જ સંભાળપૂર્વક શબ્દ તોળીને સુરેન્દ્રે કહ્યું. પરંતુ એના જવાબમાં જ્યોત્સ્નાએ એક મક્કમ અને ઝડપી ધમકી આપી :

‘સુરેન્દ્ર ! ચૂપ રહે.’

અને એકાએક બંનેની દૃષ્ટિ સામે મધુકર આવીને ઊભો રહેલો જણાયો.