પૃષ્ઠ:Snehashristi.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્નેહસૃષ્ટિ:૯૦
 


‘મારે હજી વાંચવું છે… સુરેન્દ્ર સાથે.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘પછી વંચાશે. હમણાં જરૂરી કામ છે.’

‘કામ હોય તો તું કર. પિતાજીનો તું સેક્રેટરી છે. હું હમણાં નથી આવતી.’

‘મારી ઇચ્છા ન હતી કે હું તને કામનું સ્વરૂપ કહી બતાવું. પરંતુ જ્યારે તું ફરજ પાડે છે ત્યારે મારે કહેવું જોઈએ કે…’

‘શા માટે અટકે છે ? કહી નાખ.’

‘કોઈ ગુંડા જેવા બે માણસો આવ્યા છે… તારી જ બંગડીઓ લઈને… એમને પતાવી તું પાછી અહીં આવજે.’ મધુકરે એક વિજયી દૃષ્ટિ સુરેન્દ્ર સામે ફેંકી કહ્યું.

સુરેન્દ્ર સમજી ગયો. જ્યોત્સ્ના પણ સમજી ગઈ કે ગઈ કાલ થયેલા તોફાનમાં મુખ્ય ભાગ ભજવનાર ગુંડાઓ આવી ચૂક્યા છે ! એ તત્કાલ ઊઠી અને ઊભી થઈ. સુરેન્દ્રે પૂછ્યું :

‘મધુકર ! હું પણ ત્યાં આવું તો ?’

‘તને બોલાવ્યો નથી એટલે હું શું કહું ?… હું તો નોકર છું ને ? ચિઠ્ઠીનો ચાકર.’ જ્યોત્સ્નાના બોલનો જવાબ આ ઢબે મધુકરે સુરેન્દ્રને આપ્યો.

‘આ બાબતમાં જેટલું હું જાણું છું એટલું જયોત્સ્ના જાણતી નથી.’ સુરેન્દ્રે દલીલ કરી.

‘તે હશે; હું પૂછી જોઈ તને બોલાવવા મોકલું.’ કહી મધુકર બહાર નીકળ્યો. જ્યોત્સ્ના પણ મધુકર સાથે જ ચાલી ગઈ. સુરેન્દ્ર ચણચણતે દિલે ત્યાં બેસી રહ્યો. શા માટે એણે જ્યોત્સ્નાને પોતાની સાથે ગઈ કાલે આવવા દીધી ? આગ્રહ જ્યોત્સ્નાનો જ હતો છતાં એ આગ્રહને વશ તે શા માટે થયો ? કોઈ પણ માતાપિતા પોતાની પુત્રીના શિક્ષકને ગરીબ તથા ગલીચ વાતાવરણમાં પોતાની પુત્રીને સાથે લઈ જવાની સંમતિ ન જ આપે. સુરેન્દ્રને લાગ્યું કે તેણે એક ભૂલ કરી હતી.

પરંતુ… જ્યોત્સ્ના તો હજીયે તેની સાથે ફરી આવવા માટે તૈયાર હતી ! એની ના પાડી એથી તો એ ગુસ્સે થઈ ગઈ… નહિ, નહિ ! ગુસ્સે થઈ હતી મધુકરના નામથી ! મધુકર પ્રત્યે જ્યોત્સ્નાને એક પ્રકારનો અભાવ હતો, અને જ્યોત્સ્ના તરફ ખેંચાતી જતી મધુકરની વૃત્તિને સુરેન્દ્ર ઓળખી શક્યો હતો. શ્રીલતાની સાથે પ્રેમ કરતો મધુકર પાછો જ્યોત્સ્ના તરફ ઢળતો હતો એ સુરેન્દ્રને જરાય ગમતું નહિ. પતંગિયા-વૃત્તિનો એને ભારે વિરોધ હતો. પરંતુ જે જીવનકાર્ય સુરેન્દ્રે પોતાને માટે નક્કી કર્યું હતું