પૃષ્ઠ:Snehashristi.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ જીત્યું? : ૯૧
 

તેમાં પ્રેમને જરાય સ્થાન ન હતું. આ પ્રસંગ સુરેન્દ્રને પ્રેમની ઘાંટીમાંથી કદાચ ઉગારી પણ લે… જો તેને મધુકર આ ઘરમાંથી દૂર કરાવી શકે તો ! જ્યોત્સ્ના સરખી ધનિક માતાપિતાની પુત્રીના પ્રેમને ઝીલવાનું સુરેન્દ્રને માટે શક્ય ન હતું.

સુરેન્દ્રને વિચાર કરતો એકલો છોડી ગયેલાં મધુકરને જ્યોત્સ્ના જેવાં રાવબહાદુરના દીવાનખાનામાં આવ્યાં તેવું જ્યોત્સ્નાએ જોઈ લીધું કે ખંડનું વાતાવરણ અત્યંત તંગ બની રહ્યું હતું. રાવબહાદુર ગિરિજાપ્રસાદ અને તેમનાં પત્ની યશોદા બંનેના મુખ ઉપર એક પ્રકારનો ગુસ્સો હતો. બે હીરાજડિત બંગડીઓ નાના મેજ ઉપર તેમની સામે જ પડી હતી - જે જ્યોત્સ્નાએ ગઈ કાલે બંને ગુંડાઓને આપી હતી. બંને ગુંડાઓ બાજુ ઉપર અદબ વાળી કડક મુખ કરી ઊભા હતા. જ્યોત્સ્ના સમજી ગઈ કે આવું વાતાવરણ એના જ કાર્યે ઊભું કરેલું છે. માતાપિતાના માનસને ધક્કો આપી રહેલી પુત્રી એક ક્ષણભર મૂંઝવાઈ; પરંતુ પોતાની મૂંઝવણને બીજી ક્ષણે સ્મિતમાં ફેરવી અને અંદર જતાં બરોબર કહ્યું :

‘તમે તો પેલા… કાલે મળ્યા હતા એ ભાઈઓ, નહિ ?… જેમને મેં બંગડી આપી હતી તે ! ખરું ને?’

‘હા જી.’ એક ગુંડાએ જવાબ આપ્યો.

‘પૈસા એમાંથી પૂરા ન પડ્યા ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘બંગડીઓ વધારે કિંમતી છે… એમ જ ને ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘જી… આપને પેલા ગરીબોની દયા આવતી હોય તો…’ એક ગુંડાએ જવાબ આપ્યો.

‘ચાલો, હું તમને તમારા પૈસા આપી દઉં.’ કહી જ્યોત્સ્નાએ ખંડમાંથી ગુંડાઓને બહાર લઈ જવાનો અભિનય કર્યો. પરંતુ તેને રોકી રાવબહાદુરે કહ્યું :

‘જ્યોત્સ્ના ! તારે જવાની જરૂર નથી. કેટલા પૈસા માગો છો ?’

‘થયા છે તો… સાતસો… એક વરસ થયું આપ્યે.’ ગુંડાએ કહ્યું.

‘મૂળ કેટલા આપેલા ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘આપેલા તો પચાસ… પણ… પચાસમાંથી સાતસો કેમ થયા ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘દર મહિને પચાસ પચાસ વધ્યા… કાંઈ ન આપ્યું તેથી. અને વર્ષ વિત્યે દંડના બીજા સો… એમ કરીને સાતસો થયા.’ ગુંડાએ હિસાબ બતાવ્યો.