પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે જે દુખિયાઓ ભળવા આવે તેને જાણી-તપાસી ભેળવવા. તે તમામનાં વેરની વસુલાત સહુએ સાથે મળીને કરવી."

બલોયાં, બંગડી કે ચૂડાવિહોણા આ ઓરતના હાથ પ્રત્યેક બોલના તાલમાં હવા જોડે અફળાતા હતા. એ અડવા હાથની તાકાત એના પંજામાં પ્રસરતી હતી. પંજો મૂઠો ભીડતો ત્યારે હથોડો બની જતો. મુઠ્ઠીના આધાતે આધાતે જાણે કે હવામાં તરતી કોઇ એરણ પર એ કશો ઘાટ ઘડતી હતી. પ્રત્યેક ઘાટ એના અંતરમાં એકાદ મનસૂબો સરજાવતો હતો. ઠોળિયાં વિનાની એની કાનની બૂટો મોટાં મોટાં છિદ્રો સહિત ઝૂલતી હતી. એ ઝૂલતી કાન-બૂટો એ ઓરતને કોઇ કાનફટા જોગીનો સીનો આપતી હતી.

એણે જ ચારેને પ્રતિજ્ઞા લેવરાવી. ત્રણ પુરુષો એની સામે તાલીમ લેનારા કોઇ ચેલકાઓ જેવા મૂંગા ને રાંક બની ગયા. પ્રતિજ્ઞા લેવામાં ચારે જણાંએ પોતાનાં હથિયારો પલાંઠી પાસે જ રાખ્યાં હતાં; ને પ્રત્યેકે પ્રતિજ્ઞાના બોલ બોલવા સાથે પોતપોતાનું હથિયાર આંખોને અડકાડવાનું હતું.

દિવસ ચડ્યો ત્યારે ઊના ઊના રોટલા અને તાજી છાશ, તાજાં માખણ શાકની દોણકી વગેરે લઇને જગ્યાએ દરવાજે બે વનકન્યાઓ આવી પહોંચી. આવીને કહ્યું: "લ્યો,મા, આ શિરામણ."

"લાવ્યાં, બેટા?"

ઓરત આંહીં રહ્યા પછી થોડા જ મહિનામાં આજુબાજુના માલધારીઓના નેસડાની 'મા' થઇ પડી હતી.

"હા,મા! કાલથી હું તેજુ એકલી જ આવીશ. હીરબાઇ તો જાશે."

"ક્યાં?"

"સાસરે."

"સાસરે જવું ગમે છે? હેં હીરબાઈ!"

મોટી કન્યા નીચું જોઇ ગઇ.

"આહીંના જેવું રમવા-કૂદવાનું નહિ મળે ત્યાં."

હીરબાઇની આંખમાં આંસુ આવ્યાં.

"તારું સાસરું કયે ગામ?"

"દોણ-ગઢડા."

૯૩
સોરઠ તારાં વહેતાં પાણી