પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આગળિયારી ઉઘાડતાં-ઉઘાડતાં પૂછતી જતી હતી: "શાદુળા! કેમ બહુ ભસે છે, ભાઇ? બાપ કેમ બોલતા નથી? અમથા તો કાળી રાતે આવે ત્યારે ય 'આદેશ!' 'આદેશ!' 'આદેશ!' જપતા હોય છે."

'આદેશ' એ દસનામ સાધુઓનો મિલન-બોલ છે.

છેલ્લો આગળિયારો ખસેડી દરવાજો ખુલ્લો કર્યો ત્યારે ત્યાં બે ઘોડા જોડેલી એક ઘોડાગાડી ઊભી હતી. હાંકવાની ગાદીવાળી બેઠક ઉપર એક શિકારીના લેબાસવાળો પુરુષ બેઠો હતો. એના હાથના પંજામાં લગામ રમતી હતી. આગળ ઊભો ઊભો એક ખાસદાર ઘોડાની માણેકલટ પંપાળતો હતો. ગાડીની પાછલી બેઠકો પરથી ચારેક જણાએ ઠેક મારી ડેલીમાં પ્રવેશ કર્યો. નાની બારીને બદલે મોટા દરવાજા ખોલવા મડ્યા.

કૂતરો એ સર્વની સામે ઝનૂનભર્યા ડાઉકારા ફરી છલાંગો ભરતો હતો. બે જણના પગની પીંડીંઓમાંથી લોહી ચાલી રહ્યાં હતાં.

કૂતરાએ છેલ્લી તરાપ એ હાંકનાર શિકારી પર કરી. શિકારીના કલેજા સુધી કૂતરો પહોચે તે પૂર્વે તો શિકારીનો બંદૂકનો કુંદો ઊંચો થયો. બરાબર લમણાં પર ફટકો ખાઇને કૂતરો જમીન પર ઝીંકાયો.

"કોણ છો, તમે?" હાક મારતી ઓરત બહાર ધસી. જગ્યાના દરવાજા તરફ ગાડીને ખેંચી જવાનું જોશ કરી રહેલ ઘોડાઓને એણે લગામો ડોંચીને પાછા ધકેલ્યા. પૂછ્યું: "ઊભા રો,કોણ છો? આ દેવતાના કૂતરાને ઠાર મારનાર કોણ છો તમે?"

"તું તો નવી ચેલી ને? દાબેલા પાસામાંથી વાજું જેવા સૂર કાઢે તેવા સૂરે શિકારી આગેવાન ગાડીની ઊંચી બેઠક પરથી બોલ્યો. બોલતી વેળા એની આંખો ઘેનમાં ઘેરાયેલ હોય તેવી અરધી મીંચેલી હતી. માથા પર ટેડી પડેલી ખાખી હૅટને એણે વધુ ટેડી ગોઠવી.

નીચે ઊભેલી ઓરતની આંખો તરફડિયાં મારતા કૂતરા તરફ હતી. માથું ઊંચું કરી કરીને કૂતરાએ નેત્રો ધજા ઉપર ઠેરવ્યાં. એના મોંમાંથી ફીણ ઝરતાં હતાં. ઘરતીનું જે ધાવણ પીધેલૂં તે પાછું ચૂકવીને કૂતરો જિંદગીના કરજમાંથી ફારેગ થઇ ગયો.

બાઇનું હૈયું ભેદીને બોલ નીકળ્યો: "આ ધજાની છાંયડીમાં તમે જીવ

૯૫
સોરઠ તારાં વહેતાં પાણી