પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ પ્રહારે બંદૂકના લાકડાના હાથાના છોડિયાં ઊડી પડ્યાં.

એક ઘોડેસવાર તરફ ફરીને શિકારીએ પૂછ્યું:

"નજીકમાં ક્યું શહેર છે?"

"આપણું."

"આ લ્યો: આ દસ રૂપિયા. બે સાચી અટલસની સોડ્યો લાવીને અહીં આપી જજો સાંજ સુધીમાં."

ઘોડેસવારે ઘોડો દોડાવી મૂક્યો, ને શિકારી ઓરત સામે ફર્યોઃ "આ બેય જીવને દટાવી દેશો તમે?"

ઓરતે મૂંગી હા કહી. પાંચ રૂપિયા એણે એક બીજા સાથી ના હાથમાં મૂક્યા; કહ્યું: "હનુમાનજીને ધરી આવ."

ફરીને ફરીને એણે મૂએલી સસલીના ચૂંથાઇ ગયેલ આઉની અંદર બે સૂતેલાં બાલ દીઠાં. 'આવું - આવું તો કોઇ દી નહોતું બન્યું' એ વાક્ય શિકારી ત્રણ વાર બોલ્યો.

ઘોડાગાડી પાછી વળી ગઇ. શિકારીએ લગામ બીજા જણના હાથમાં સોંપી. પોતે પાછળની ગાદી ઉપર ઢીલો થઇ પડ્યો. રસ્તામાં એક-બે વાર એણે પૈડા નીચે નજર નાખી.

"કેમ બાપુ?" કોચમેન પૂછતો હતો: "કાંઇ જોઇએ છે?

"ના, એ તો મને પૈડા હેઠળ કંઇક ચંપાતું હોય એવો વહેમ આવ્યો."

"ના, ના; એ તો નદીની વેળુ હતી."

ડેલીના ધીંગા દરવાજા ફરીથી બંધ કરીને ઓરત અંદર ગઇ. મહેમાનોને ન દીઠા. 'ગોકીરો સાંભળીને ભાગી ગયા કે શું?' એવું વિચારતી એ મંદિરમાં પેઠી.

મંદિર તો એનું માત્ર નામ હતું. એ તો હતો એક પુરાતન કોઠો. કાળાંતરના ઇતિહાસને કલેજામાં સંધરતો એ કોઠો ત્યાં ઊભો હતો.

એ કોઠાની અંદર સાફસૂફી કરીને કરી બાવાએ એક પથ્થર પધરાવ્યો હતો, ને ઉપર રાતી ધજા બાંધી હતી.

ઓરત અંદર ગઇ. જૂએ છે તો વાશિયાંગના ખભા ઉપર પુનો ઊભો હતો. ને પુનાને માથે લખમણભાઇ ચડ્યો હતો. કોઠાની દીવાલને ઓથે આ

૯૭
સોરઠ તારાં વહેતાં પાણી