પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

1. અમલદાર આવ્યા


ગીરના નાકા પર એક સરકારી થાણું હતું.

અમલદારી ભાષામાં એ 'આઉટ-પોસ્ટ' તરીકે ઓળખાતું. પંદર પેદલ સિપાહી તથા પાંચ ઘોડેસવારોની પોલીસ-ફોજ ત્યાં રહેતી. ત્રીજા દરજ્જ્જાના અધિકારનો મેજિસ્ટ્રેટ રહેતો. નાનું એક દવાખાનું સંભાળવા દાક્તર રહેતો. તેને કોઈ કમ્પાઉન્ડર ન મળતો. મેજિસ્ટ્રેટ 'થાણાદાર સાહેબ' કહેવાતા. પોલીસ-અમલદારનું લોક-નામ 'જમાદાર સાહેબ' હતું. થાણાદારના હાથમાં ઇન્સાફી ઉપરાંત વસૂલાતની પણ સત્તા હતી.

ખરું જોતાં આવી બેવડી સત્તાવાળો થાણદાર જ મુખ્ય હાકેમ ગણાય. છતાં પોલીસના ચકચકિત પોશાક, કારતૂસ વગરની છતાં બૂઠાં સંગીનો વડે ઝગારા મારતી 'બ્રીજિલોડ' બંદૂકો, હંમેશા પ્રભાતની કવાયતના ધમધમાટ, અને મેજિસ્ટ્રેટની કચેરી પર રોજ બદલાતી ગાર્ડ-ટુકડીના ખડે પગે પહેરા, કલાકે કલાકે બજતી ઝાલરના ડંકા, રાતના દસથી ચાર સુધીની લાંબા સૂરોની ત્રેવડી આલબેલો, ઘોડેસવારો રોજ સાંજની બબે ગાઉ સુધીની ઘોડેસવારોની રોજ સાંજની બબે ગાઉની 'રૉન' (રાઉન્ડ) - એ બધાંનો પ્રભાવ લોકો પર વિશેષ પડતો. આથી થાણાદાર અને જમાદાર વચ્ચે સત્તાની સરસાઈ એક ધૂંધવાતા છાણાની જેમ અહર્નિશ ખુલ્લી-અણખુલ્લી, ચાલ્યા જ કરતી.

આ આઉટ-પોસ્ટ પર બદલી થઇ આવનાર દરેક માણસ પોતાને કાળા પાણીની સજા થઇ સમજતો. અહીંની બદલી અટકાવવા માટે એ રાજકોટની ઉપરી-ઑફિસમાં લાગવગ, ફળમેવાના કરંડિયા તેમ જ રોકડ નાણાંના પણ પ્રયોગ અજમાવતો.

ઉપરી ઑફિસના શિરસ્તેદારો જે નોકરો પોતપોતાની ન્યાતના ન હોય તે બધાને કાં તો તુચ્છ અથવા વિરોધી લેખતા. ઉપરી ઑફિસમાં નાગર, બ્રાહ્મણ ને વાણિયા - એમ ત્રણ કોમોની ખટપટ ચાલતી. ને સામી કોમના માણસને હેરાન કરવો હોય ત્યારે શિરસ્તેદાર પોતાના ગોરા અધિકારીની સમક્ષ

સોરઠ તારાં વહેતાં પાણી