પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગઢની રાંગ આડેથી નીકળીને એ સન્મુખ આવ્યો. બંદૂક એણે ફગાવી નાખી.

મહીપતરામને ધોકડાની આડેથી નીકળતા દેખી સિપાઇઓએ એને પકડી રાખ્યા: "અરે સાહેબ! એ કાઠીનો ભરોસો હોય? મા જાવ; હમણાં એ દગો દેશે."

"દગાથી ડરીને હું જૂઠો ઠરું, તે કરતાં તો દગલબાજીથી મરું તે જ બહેતર છે." એટલું કહીને મહીપતરામ સામે ચાલ્યા. ગોદડવાળાની જોડે હાથ મિલાવ્યા. "દરબાર સાહેબ, શાબાશ છે તમને!" કહી પીઠ થાબડી, પછી પૂછ્યું: "એકલા તો શરમાશો ને, દરબાર?"

"શી બાબત?"

"હાથકડીનો હુકમ છે."

"હવે હાથમાં આવ્યો છું, પછી ચાહે તે કરો ને!"

"ના, હું ને તમે જોડીદાર બનશું: નામોશીની પણ વહેંચણ કરશું."

"કેવી રીતે?"

"બતાવું છું."

હાથકડી પોતે પોતાના જમણા કાંડામાં અને ગોદડવાળાનાં ડાબાં કાંડામાં પહેરાવી. હાથની ભુજાઓ - રસીને બે છેડે બાંધવા પોતે હવાલદારને હુકમ આપ્યો.

"ને હવે હું ને તમે ભાઇબંધો છીએ એવું તમારી વસતીને પણ જોવા દો."

એમ કહી પોતે દરબારને લઇ ભદ્રાપુરની બજારમાં નીકળ્યા. પાછળ બેઉની ભુજાઓ સાથે બાંધેલી રસી ઝાલીને હવાલદાર ચાલતો હતો. તેની પાછળ પંદર પોલીસો હતા. પંદર બંદૂકો ઉપર સંગીનો ચમકતાં હતાં. ગામલોકોને ગમ ન પડે તેવું ગૂઢાર્થભર્યું આ દૃશ્ય હતું. કાઠિયાવાડમાંથી એક રાજા-દરજ્જાના દરબારને હાથકડી પહેરાવી કેદીનો જાહેર તમાશો કરવાનો એ પહેલો બનાવ હતો. ઘડી પૂર્વેના 'અન્નદાતા'ની આવી અનાથતા દેખનાર વસ્તી આંધળી નહોતી, અબુધ નહોતી. એક વિપ્ર એને પકડી જતો હતો. એક જનોઇધારીએ બડકંદાજી કરી હતી. વસતીની દૃષ્ટિએ મહીપતરામ નવા જુગનો

૧૦૨
સોરઠ તારાં વહેતાં પાણી