પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

23. વેરની સજાવટ


રે આવીને મહીપતરામે પત્નીને વાત કરી. પત્નીએ પિનાકીને આ હર્ષના સમાચાર આપ્યા. પિનાકીએ ફરીથી પૂછ્યું: "ક્યાંના ઠાકોર સાહેબ?"

"વિક્રમપુરના. ન ઓળક્યા, ભાણા? આપણી જોડે ભેખડગઢ થાણામાં દાનસંગજીકાકા હવાલદાર નહોતા? તેની દીકરી દેવુબા નહોતી? તેની વેરે લગ્ન કરનારા રાજા."

પિનાકી ત્યાંથી ઊઠીને ચાલતો થયો. 'મારે એ સ્કોલરશિપ નથી જોઇતી' એવું કશુંક એ બડબડતો હતો.

વળતા દિવસે રાતના અગિયાર વાગે હાઇસ્કૂલના હેડમાસ્તર મહીપતરામને ઘેર આવ્યા. પિનાકી સૂઇ ગયો હતો તેને જગાડવામાં આવ્યો.

હેડમાસ્તરે પૂછ્યું: "તને ગયા મેળાવડા વખતનો 'સિકંદર ને ડાકુ'નો સંવાદ મોંએ છે?"

"ફરી જરા ગોખી જવો જોઇએ. કેમ?"

"આજે રાતોરાત મોંએ કરી જઇશ?"

"ખુશીથી."

"તો કરી કાઢ. કાલે હાઇસ્કૂલમાં વિક્રમપુરના ઠાકોર સાહેબ પધારે છે; આપણે સમારંભ કરવાનો છે."

પિનાકીએ બગાસું આવ્યું. એનું મોં ઉતરી ગયું.

"હવે સુસ્તી ન કર. જા, પાણી પી લે: અથવા માને કહે કે ચા કરી આપે. સંવાદમાં તારો ડાકુનો પાઠ પાકો કરી નાખ. ઠાકોર સાહેબનાં નવાં રાણીને હાથે જ તમારાં ઇનામો વહેંચાવવાનાં છે. તું પહેલું ઇનામ જીતવા પ્રયત્ન કર."

છેલ્લી વાત સાંભળીને પિનાકી ઝાંખો પડ્યો. એનાં ઊંધબગાસાં તો ઊડી ગયાં, પણ એના મોં પણ કોઇ તમાચો પડ્યો હોય તેવી ઊર્મિ તરવરી નીકળી.

"ઊઠ, ભાઇ; મને તારા પર શ્રધ્ધા છે. તું કાલે મેળાવડાને રઝળાવતો નહિ. ને મારે હજુ બીજા છોકરાઓને પણ કહેવા જવું છે. થઇ જા હોંશિયાર જોઉં? મારી આબરૂ તારે રાખવાની છે, હોં કે!" એમ બોલી હેડમાસ્તર બહાર

૧૦૬
સોરઠ તારાં વહેતાં પાણી