પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નીકળ્યા. પિનાકીને મન એ દૃશ્ય અતિ દયામણું હતું. હેડમાસ્તર વાઘ જેવા ગણાતા. એનો રૂઆબ એક જેલર જેવો ઉગ્ર હતો. એની પ્રતાપી કારકીર્દીનું માપ એણે વિદ્યાર્થીઓના વાંસામાં ભાંગેલી સોટીઓની સંખ્યા પરથી નીકળતું. એની સામે છોકરાઓ આંખ ઊંચકી ન શકે એ હતી એની મહત્તા. અગિયારના ટકોરા પછી કોઇ વિદ્યાર્થી શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશ પણ ન કરી શકે. એનો આદેશ એટલે લશ્કરી હુકમ.

હાઇસ્કૂલના ચોગાનમાં તો શું પણ ચોગાન ફરતી વંડીની નજીક પણ શહેરનો કોઇ રઝળુ ઠેરી શકતો નહિ. વંડી પરથી સિસોટી મારનાર ત્રણ ગુંડાઓને હેડમાસ્તરની સોટીની ફડાફડીએ રાડ પડાવી હતી. પોલીસ પણ એની શેહમાં દબાતી. આવા કડપદાર હેડમાસ્તરનું મોડી રાતે પિનાકી પાસે આવવું, એ પિનાકીના ગર્વની વાત બની. એની આબરૂ પિનાકીની મૂઠીમાં આવી ગઇ. બત્તી તેજ કરીને તે ડાકુનો પાઠ કંઠે કરવા લાગ્યો.

આવતી કાલ પિનાકીના કિરણ-ચમકાટની કાલ હતી. એ વિચારે મહીપતરામને અને એમનાં પત્નીને પણ ઊંઘ ન આવી. આધેડ વયનાં ધણી-ધણિયાણી ધીરે સાદે વાતોએ વળગ્યાં.

'કેવો કડકડાટ અંગરેજી બોલે છે ભાણો? બાલિસ્ટર બનશે."

"ના, મારે તો એને દાક્તર બનાવવો છે."

"એ મડદાં ચીરવાનો નરક-ધંધો મારા ભાણાને નથી કરવા દેવો."

"કોને ખબર છે, એ તો કાલે દેવુબા એને ઓળખશે, એટલે કદાચ પોતાના રાજમાં જ એને કોઇ મોટો હાકેમ બનાવી લેશે."

"ગાંડી રે ગાંડી! એ દેવુબા જુદી હતી: આજની દેવુબા જુદી હશે."

"હેં! ભેગાં રમતાં'તાં તે વીસરી જશે."

"એવાં તો કૈક છોકરાં ભેળાં રમતાં હતાં."

"પણ ભાણાની જોડે એની માયા તો અનોખી જ હતી."

આવા વાર્તાલાપને પોતાના કાનથી વેગળા રાખવા પિનાકી મોટા હાકોરા પાડીને પાઠ ગોખવા લાગ્યો. તેના શબ્દોચ્ચારો દીવાલોને સજીવન કરતા

૧૦૭
સોરઠ તારાં વહેતાં પાણી