પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાવસાહેબના ભાણાભાઇ ઉપર એને માયા રહી ગઇ'તી. સાંભળ્યું છે કે એની પીરાણી ઘોડી લઇને રૂખડદેવ આંહીં 'ગાડા વડ' પાસે આવે છે ને ભાણાભાઇને સવારી શીખવે છે."

"એ તો ગપાટા. પણ રૂખડની ઓરત એક બે વાર આંહીં આવી ભાણાભાઇને મળી ગયેલી, ને ક્યાંક તેડી પણ ગયેલી.

"એ તો બાર'વટે નીકળી ગઇ છે ને?"

"હા, ને ખુદ પ્રાંત-સાબને જાસા કહેવરાવે છે કે, જાગતો રે'જે, છાતીએ ચડીને મારીશ."

"એ જ લાગનો છે ભૂરિયો. સવારીમાં ધંધો જ એનો એક હોય છે ને?"

"આ બાઇની પણ છેડતી કરી હશે?"

"સાંભળ્યું તો છે."

"શું?"

"બાઇ આપણા સુપરીટન સા'બની ચીઠ્ઠી લઇ રાવે ગયેલી. ભૂરિયે હદ-બેહદ રૂપ દીઠું; ચક્કર ખાઇ ગયો. એકલી અરજે બોલાવી હશે. નધણિયાતી જાણીને બેઅદબ બન્યો હશે. એટલે બાઇ કાળી નાગણ બની છે. લાગ ગોતી રહેલ છે."

"ભૂરિયાનોય દી ફર્યો છે ને? કુત્તાઓ ભૂતખાનું ખોલીને બેઠા છે, તોય શા સારુ ઓખર કરવા નીકળે છે?"

"ચૂપ! ચૂપ!"

'ભૂતખાનું' શબ્દ રાજકોટના વાતાવરણમાં એક ભયાનક, ભેદી, અકળ, ભાવની, ગંધ પ્રસરાવતો હતો. 'ફિમેસન'નો લૉજ 'ભૂતખાનું' નામે ઓળખાતો. ઘણું કરીને એ વર્ષોમાં આવો લૉજ કાઠિયાવાડમાં એ એક જ હતો. ત્યાં મહિના અમુક અમુક દિવસે જે ક્રિયાઓ થતી, તેની ચોપાસ ગુહ્યતાની ચોકીદારી રહેતી. એજન્સીના મોટા મોટા અધિકારીઓ, ગોરા સાહેબો ને કેટલાક રાજાઓ તેના સભ્યો હતા; એટલે ક્રિયાની રાત્રિએ ત્યાં પોલીસોના કડક પહેરા મુકાતા. આ અણસમજુ પહેરેગીરોની કલ્પના અને વહેમવૃત્તિ આવી ક્રિયાની હરએક રાત્રિએ સળગી ઊઠતી. ભૂતખાનામાં મેલા પ્રકારના વિલાસો રમાય છે, ને એનું રહસ્ય બહાર પાડનારની ગરદન કાપવાનો આદેશ છે; તેની પાછળ

૧૦૯
સોરઠ તારાં વહેતાં પાણી