પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ઓહો!" ઠાકોર સાહેબ ઓળખવા મથ્યાઃ "આપ સુરેન્દ્રદેવજી તો નહિ?"

"હા, જી, એ જ."

ઠાકોર સાહેબે પંજો લંબાવ્યો.

સુરેન્દ્રદેવે સામો પંજો આપ્યો. બન્નેના પંજા મળ્યા ત્યારે બન્નેના વેશ-પરિધાનનો તફાવત પણ વધુ તીવ્ર દેખાયો. ઠાકોર સાહેબના દેહ પર રેશમના ઠઠારા હતા. ખભા પર જનોઇ-પટ્ટે ઝરિયાની હમેલ લપેટાઇ હતી. પગમાં રાણી છાપનાં કાળાં બૂટ હતાં. સાફો સોના-સળીનો ગુલાબરંગી હતો.

એ ઠાઠમાઠ જોડે તકરાર કરનાર દાઢી-મૂછના શ્વેત કેશને ઠાકોર સાહેબે કાળો કલપ લગાવી ચૂપ કર્યા હતા.

આ તફાવતની હાંસીને રોળીટોળી નાખવા માટે ઠાકોર સાહેબે કહ્યું:

"સુરેન્દ્રદેવજી, આપ તો તદ્દન બદલી ગયા! શું ભેખ લીધો!"

"નહિ ઠાકોર સાહેબ! જોબનના રંગો હું હવે જ માણી રહ્યો છું."

આવા શબ્દોચ્ચાર તરફ રાણી સાહેબ ખેંચાયાં. એમણે પણ પાછળ જોયું. ઠાકોર સાહેબ પિછાન દીધીઃ "રાણી સાહેબ, આ કડી-બેડીના દરબાર સાહેબ સુરેન્દ્રદેવજી."

"હું એમને ઓળખું છું." સુરેન્દ્રદેવે ઠાકોર સાહેબને ચમકાવ્યા.

"ઓળખો છો! ક્યાંથી?"

"એમના પિતા ભેખડગઢમાં પોલીસ-હવાલદાર હતા. ત્યાંથી બદલી થઇને ગયા ત્યારે એમને મારા ગામ રંગપુરની પાટીમાંથી ગાડાં જોઇતાં હતાં: પણ વેઠના દર મુજબના પૈસા નહોતા ચૂકવવા. વરસાદ પણ અનરાધાર પડતો હતો, એટલે આપણા ઉતારામાં જ સહુને ત્રણ દિવસ સુધી રોકાવું પડેલું."

રાણી સાહેબ બીજી બાજુ જોઇ ગયાં.

આ સંકડામણમાંથી નીકળવા માટે ઠાકોર સાહેબે વાત પલટાવી. ત્યાં તો ગણગણાટનો એક સંયુક્ત જનરવ ઊઠ્યો. ગોરા પ્રાંત સાહેબનો

૧૧૨
સોરઠ તારાં વહેતાં પાણી