પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવા ઊઠ્યા.

તેમણે કહ્યું: "અહીં એક શહેનશાહ અને એક ડાકુ-સરદારનો પ્રવેશ ભજવાયો છે. વિદ્યાર્થીઓ! એ એક જ પાઠ તમારે ન વીસરવા જેવો છે. શહેનશાહતો તો સદા એવી જ છે. વીર નરોને ડાકુ બનાવનાર તો જુલમો જ છે. અમે રાજાઓ, નાનામોટા સહુ જ રાજાઓ - એ શહેનશાહ સિકંદરની જ નાની-મોટી આવૃત્તિઓ છીએ. માટે તમે પણ તમારો અવસર જ્યારે આવે ત્યારે એમને એ જ જવાબ આપજો કે, અમે હરામખોર નથી, અમે અમારા રાષ્ટ્રના પુત્રો છીએ, ને સાચા સિપાઇઓ છીએ."

છોકરાઓએ આવાં સંભાષણ પર તાળીઓના ગગડાટ કર્યા. હેડમાસ્તર રાતાપીળા બન્યા. ઠાકોર સાહેબે કશું બોલવાની ના કહી. મેળાવડો ભારેખમ હૈયે વિસર્જન થયો. હેડમાસ્તરે ગાડી પાસે જઇને રાણી સાહેબ તરફ બેઅદબી થયા બદલની ક્ષમા માગી કયું: "છોકરો ગભરાઇ ગયો હતો."

"કોણ છે એ?" રાણીએ પ્રશ્ન કર્યો. પોતે તે ક્ષણે પોતાના વિખૂટા પડેલા વરને શોધતી કબૂતરી જેવી મનોવસ્થામાં પડી હતી.

"એક પોલીસ-અફસરનો ભાણેજ છે. આમ તો ઘણો શાણો વિદ્યાર્થી છે."

વધુ કશો પ્રશ્ન ન કરતાં રાણીએ ગાડી ચલાવવાનો આદેશ આપ્યો. શાળાના સાંકડા દરવાજામાંથી પાણીના રેલા પેઠે નીકળી જનારા ઘોડાઓ ગાડીને ક્યાં લઇ જાય છે તેનું ભાન રાણીએ ગુમાવ્યું હતું.

ઠાકોર સાહેબ શી વાત કરી રહ્યા હતા તેની તેને ગમ નહોતી.

હેડમાસ્તરનાં પગલાં લાદીના પથ્થરોને કચડતા અંદરના ખાંડમાં ધસ્યા, ત્યાં જઇ ન કાંઇ પૂછ્યું, ન ગાછ્યું. પિનાકીના શરીર પર એણે સપાટા જ ખેંચવા માંડ્યા.

૧૧૭
સોરઠ તારાં વહેતાં પાણી