પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એણે પોતાની મૂઠીમાં પકડી લીધી.

હેડમાસ્તરે તેને ધક્કો મારી સોટીને ઝોંટ દીધી.

ફાટેલા નેતરે પિનાકીના હથેળીમાં ચીરા પાડ્યા, રુધિર રેલાવ્યું.

બીજા પંજાની ઝડપ કરે તેમ સોટીના બે ફાડિયાં કરી પિનાકીએ તેને ફેંકી દીધાં ને પછી પહોળી છાતી પર અદભ ભીડીને એ હેડમાસ્તરના ધગધગતા સીના સામે ઊભો રહ્યો.

તમામ છોકરા એની આજુબાજુ ગોઠવાઈ ગયા. શિક્ષકો પણ ત્યાં આવી પહોંચ્યા. એક ગુંડા જેવા છોકરાએ શિક્ષકોને કહી દીધું : "સાહેબ, આબરૂભેર દૂર ઊભા રહેજો."

ચારસો છોકરાઓના વીફરેલ ટોળાને દબડાવવા માટે જે ઝનૂન તેમ જ સત્તાવાન મનોદશા જોઇએ તે માસ્તરોમાં નહોતાં. બે ચહેરા બીડીઓના વ્યસની હતા. બે-ત્રણ બીજા મોઢાં પછવાડે ઊભાં રહી હેડમાસ્તરની વધુ બૂરી વલે કરવા માટે વિદ્યાર્થીઓને આંખોના મિચકારા મારતા હતા. અને એ સર્વ શિક્ષકોના ચહેરાઓ ઉપર ટ્યૂશનોની ગરજ વાંચી શકાતી હતી.

હેડમાસ્તરના ખાલી હાથ ફરીથી પિનાકીના ગાલ પર ઊપડ્યા. પિનાકીએ શાંતિથી ગાલ ધરી રાખ્યા, અને ધસી આવતા છોકરાઓ તરફ હાથ પહોળા કરી દીવાલ રચી એ આટલું જ બોલ્યો : "મને એકલાને ખુશીથી મારો, સાહેબ!"

હેડમાસ્તરના મોં પરથી આ શબ્દોએ તમામ લોહી શોષી લીધું. બિલ્લી જેમ વાસણમાંથી ઘી ચાટી લે, તેવી રીતે હેડમાસ્તરની હીણપ એની તમામ વિભૂતિને ચાટી ગઈ. એણે પોતાની ઑફિસ તરફ પગલાં ભર્યાં. પછવાડે જતું સિક્ષકોનું ટોળું કોઈ શબની પાછળ જતા ડાઘુઓની યાદ દેતું હતું.

છોકરાના ટોળા વચ્ચે વીંટળાયેલો પિનાકી પોતાના લડથડિયાં લેતા દેહને મોટા મનોબળથી સ્થિર કરતો સાઈકલ પકડીને બહાર નીકળ્યો. કોઈ છોકરો એના માથા પરના વાળમાં વળગેલી નેતરની છોઇ ચૂંટી લેતો હતો. બે-ત્રણ છોકરા એના કોટના કૉલરની બગડેલી ઘડી બેસાડતા હતા, ચાર-પાંચ પંજા એના ખભા પર ને એની પીઠનાં ઊપસેલા સ્નાયુઓ પર થબડાતા હતા.

૧૧૯
સોરઠ તારાં વહેતાં પાણી