પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તે છાણ છાણ કાં કૂટી રહી છે?"

"શું કરીએ, ભઈ?" સાંધાવાળો કશીક ફરિયાદ કરવા જતો હતો.

"આ વાણિયાબામણાંને ભારેવગાં થાય ત્યારે શું છાનાનાય ભાવા થાતા હશે?" બીજા ગાડા-ખેડુએ આંખ ફાંગી કરી રહ્યું.

"શી આ વાતો કરો છો તમે?" લાંબા વાળવાળો જુવાન પસાયતો કાંઈ સમજતો નહોતો.

"ઇ સમજવાની તમારે હજી વાર છે, સુરગભાઇ!"

"તમે ઑડિયાં તો ઠીકઠાક કરી લ્યો! પછેં સમજાશે!"

કેડ-ભાંગલો સ્ટેશનનો કાયમી ભિખારી પણ હસવામાં ભળ્યો. એને કમરથી નીચેનું અંગ ઘવાયેલ સારસ પક્ષીના ટાંટિયાની પેઠે લબડતું હતું.

સાંધાવાળાએ એ માનવ-કીડા તરફ ફરીને કહ્યું : "તું તો દાંત કાઢ્ય જ ને મારા બાપ! તેંય કસબ કરી જાણ્યું દુનિયામાં. બે હજાર ભેગા કરી લીધા ભીખમાંથી ને ભીખમાંથી."

"સાચેસાચ?" ગામડિયા ચમક્યા.

"પૂછો મોટા માસ્તરને."

"ક્યાં સાચવે છે?"

"મામદ ખાટકીને ચોપડે વ્યાજ ચડાવે છે લૂલિયો."

"હેં એલા?"

"હવે, ભઈ વાત મૂકોને!" એમ કહેતો પગ-ભાંગલો ભિખારી બેઠક ઘસડાતો-ઘસડતો મોટી ખડમાંકડીની માફક ચાલ્યો ગયો. દૂર બેસીને એ હિંસક નજરે સાંધાવાળા તરફ તાકી રહ્યો.

સાંધાવાળાએ ફાંગી આંખ કરીને ગાડાવાળાઓને કહ્યું : "ખબર છે? કમ નથી, હો! શી વેતરણ કરે છે - જાણો છો?"

સાંભળનારાઓના કામ ચમક્યા.

"એને પરણવું છે: હે- હે-હે-હે..."

અને પાંચ જણા નિચોવાતા કપડાની માફક મરડાઇને હસ્યા.

દૂરથી શંકાશીલ બનેલી સ્ટેશન-માસ્તરની વહુએ તીણી ચીસે પૂછ્યું : "અલ્યા, કેમ દાંત કાઢો છો?"

સોરઠ તારાં વહેતાં પાણી