પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોઈ કોઈ નાળા પાસેના ઓઠા ઉપર દૂધ વેચનાર ગવાલીઓ નવકૂંકરીની રમત રમતા હતા, અને રમનારાઓની વચ્ચે વાર્તાલાપ થતો હતો:

“આ એક ભરત ભર્યું. ને તારો જરમન ઉપાડયો.”

“ તો એક ભરત ભર્યું. ને તારો અંગ્રેજ ખાધો.”

પિનાકીના કાનેથી એ શબ્દો પાછા ન વળી ગયા. એણે જોયું કે યુરોપની લડાઈને ઝડપથી લોકોએ પોતાની કરી લીધી છે. સોગઠીઓનાં પણ તેમણે લડાયક નામ પાડ્યાં છે.

એ બજાર તફર વળ્યો. બજારમાં રોનક જામી પડ્યું હતું. વેપારીઓનાં મોઢાં પર દીવડા પેટાયા હતા. ખૂણે ને ખાંચરે બબ્બે દળ વહેંચાઈ ગયાં હતાં. એક દળમાંથી અવાજ ઊઠતો હતો: “ જુઓ તો ખરા, જર્મન કૈસર અંગ્રેજના ભૂક્કા કાઢી નાખશે ભૂક્કા છ મહિનામાં.”

“અરે અમારો તુર્કીનો સુલતાન તો જોજો, અંગ્રેજને જેર કરી નાખશે.”

“કૈસરની તો મૂછો જ બોડી નખાવશું અમે.”

સાઈકલ ઘેર મૂકીને પિનાકી ઘર છોડ્યું. મોટાબાપુજીના ઉશ્કેરાટનો એને ગભરાટ લાગ્યો. માનભંગ થયેલા હેડમાસ્તર મોટા બાપુજીને કોણ જાણે કેવાય સ્વરૂપમાં વાત રજૂ કરશે! દેવુબા સામેના મારા વર્તાવમાં મોટાબાપુજીને મારી હલકટ મનોવૃત્તિની ગંધ આવશે તો!

એવી ગંધ મોટા બાપુજીને વધુમાં વધુ ભયાનક બનાવનારી છે. મારા પર એ મારની ઝાડી વરસાવશે. હું જવાબ નહિ આપું તો ઝનૂનમાં ને ઝનૂનમાં એ બંદૂક ઉપાડશે.

એવા ડરનો માર્યો પિનાકી સ્ટેશનને પંથે વાળ્યો. ટિકિટ કઢાવવા ગયો. “ક્યાંથી ટિકિટ?” પિનાકી પાસે જવાબ નહોતો. “ત્યારે મિસ્તર, પ્રથમથી વિચારા કરીને કાં નથી આવતા?” એમ કહી ટિકિટમાસ્તરે એને ખસી જવા કહ્યું. સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનું ધ્યાન ચૂકવવા માટે પિનાકીએ જે નામ મોંએ ચઢ્યું તે નામના સ્ટેશનની ટિકિટ માગી.

પસાર થતું પ્રત્યેક સ્ટેશન એને કોઈક અદ્ભૂતતા તરફ ધકેલતું હતું. ઘર છોડવાનો સંતાપ હજુ એણે અનુભવ્યો નહોતો. રાતની ગાડીમાં ઉતારુઓ વચ્ચે અનેક જાતની વાતો થતી હતી. જેતપુરના બે મેમણો પાડા

૧૨૨
સોરઠ તારાં વહેતાં પાણી