પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“જુઓ ને ભાઈ!” મીરની આંખો ઘેરાવા લાગી. “આ અહીંથી ઊપડો તે નીકળો જમીને ધડે. ત્યાંથી તુળશીશ્યામ. ત્યાંથી નાંદીવેલે. ત્યાં ના હોય તો પછી સાણે ડુંગર. ત્યાંયે ન જડે તો પછી ચાચઇ ને ગઢે, જેસાધારે, વેજળા કોઠે...” કહેતો કહેતો મીરા ઝોકાં ખાવા લાગ્યો. બહારવટિયાનાં સ્થાનોની નામાવલી સાંભળતો સાંભળતો પિનાકી મોં ફાડી રહ્યો. એણે પૂછ્યું : “એ બધા ક્યાં આવ્યાં?”

“એ કાંઈ મેં થોડાં જોયાં છે, બાપ!” મીર હસ્યો.

“ત્યારે તમને ચોકકસ ઠેકાણની જાણ નથી?”

“તો તો પછી હું જ ન જાત? તમને શા માટે તસ્દી આપત?” મીરની આંખો દુત્તી બની ગઈ. એક આંખ ફાંગી થઈ; જાણે એ કોઈ નિશાનબાજની માફક બંદૂક તાકતો હતો.

પિનાકીને મીર પક્કો ધૂર્ત લાગ્યો.

“લાવો લાવો મારો ખરડો, તમે જઈ રીયા બહારવટિયાને મુકામે.” કહીને મીરે પોતાનો કવિતાનો કાગળ પાછો ખેંચી લીધો. “સિકલ તો જુઓ સિકલ!” મીરની ગરદન ખડી થઈ. એનું માથું, ફસાડી પડેલા કોળા જેવું, છાતી પર ઝૂકયું. એ વધુ વિનોદે ચડ્યો: “નિશાળ ભેળા થઈ જાવ, ભાઈ, નિશાળ ભેળા.“

પિનાકીએ પોતાની કમતાકાતનો મૂંગો સ્વીકાર કરી લીધો. અને એને નિશાળનું સ્મરણ થયું એ ચમક્યો: ‘આજે હેડમાસ્તર કાળના તોફાનવાળા વિદ્યાર્થીઓની શી વલે કરશે? સદાના એ ગભરુ છોકરાઓને ગઈ કાલે કશાકથી પાણી ચડે ગયું હતું; પણ આજે તો રાતની નીંદે એમના જુસ્સાને શોષી લીધો હશે. મને નહિ દેખે એટલે એ બધા મૂંગા મૂંગા ઊભા માર ખાશે, બરતરફ થાશે ને એમના માબાપો વડચકાં ભરશે તે તો જૂદું.’

આખી દયાજનકતાનો ચિતાર પિનાકીની કલ્પનામાં ભજવાવા લાગ્યો. પાછો જવા એ તલપાપડ થયો. મોટા બાપુજીની બીકના માર્યા નાસી છૂટવામાં પોતે પોતાની પામરતા અનુભવી. હેડ-માસ્તરના જાલીમાં સ્વરૂપની એણે ઝાંખી કરી. એનાથી ના રહેવાયું, ‘જે થાય તે કરી લે. મારે પાછા જઈ આજે સ્કૂલમાં જ ખાડ થવું જોઈએ, નહિ તો ધિક્કાર મને! મામી જો સાંભળે તો જરૂર ધિક્કાર આપે.’

૧૨૭
સોરઠ તારાં વહેતાં પાણી