પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વળતી ગાડીમાં એ પાછો ચાલ્યો. બારીમાંથી એ જોતો હતો. ગિરનારની મૂછો ઉપર વાદળીઓ ગેલ કરતી હતી. શ્વેત દહેરાં બુઝુર્ગ ગિરનારાના બોખા મોંના કોઈ કોઈ બાકી રહેલાં દાંત જેવાં જણાતાં હતાં, એનીયે પાછળ, કેટલે આઘે, ગીરના કયા પહાડગાળા બહારવટિયાઓને ગોદમાં લઈ બેઠા હશે!

એ હાઇસ્કૂલના વિદ્યાર્થીને ભમવાની ભાવના-પાંખો ફૂટવા લાગી. નાના બાળક જેવા બનીને એને ડુંગરા પરથી વાદળીઓમાં બાચકા ભરવા મન થતું હતું. સૂર્યનો ઊગતો ગોળો નજીક રમતા મિત્ર જેવો ભાસતો હતો. નવાગઢ સ્ટેશનના પુલ નીચે પડેલી ભાદર નદી, આ રેલગાડી અકસ્માત પડે તો તેથી ચેપઈ જવાના કશા ભય વગર, નાનાં છોકરાં માટે પાંચીકા (કૂકા) ઘડતી હતી. પિનાકીના હ્રદયમાં ભાદર જીવતી હતી. એ ક્યાંથી આવી, એનું ઘર ક્યાં, એનાં માબાપ કોણ, એને ક્યાં જવું છે, આટલી ઉતાવળે કોને મળવું છે, કેટલાં ગામડાં એના સ્તનો પર પડી ધાવે છે, કેટલી કન્યાઓ એને કાંઠે વાતો કરે છે, કેટલી પનિહારીઓ એના પાણીની હેલ્યો ઉપાડી ભેખડો ચડે છે, વાઘરીઓના વાડામાં પાકતી સાકરટેટીને અને તરબૂચોને આ ભાદરની વેકૂરી એક કરીને અમૃત પાય છે- આવા પ્રશ્નોની એના મોં પર કતાર ને કતાર લખાઈ ગઈ. પ્રકૃતિના ધ્યાનમાં એ નીરવ બન્યો. અંતરના ઘોડા પહાડો તરફ દોડવા લાગ્યા. ઊલટી દિશામાં દોડતી ગાંડીતૂર ગાડી ચીસાચીસ પાડતી હતી, કેમકે રસ્તામાં ઊંડું કપાણ આવ્યું હતું. એમ કરતાં રાજકોટ આવ્યું.

ઘરમાં દાખલ થતી વેળા પિનાકીએ પોતાની પીઠ અને છાતી સજ્જ રાખ્યાં હતાં. મોટાબાપુજીની ગઠ્ઠાદાર લાકડીને એ ઓળખતો હતો.

બાપુજીને એણે જોયા. રિવોલ્વોરની નાળીને એ સાફ કરતા હતા.

“તું આવ્યો?” બાપુજીએ સાદા અવાજે પૂછ્યું. પિનાકી જવાબ ના દીધો.

“તું ના આવ્યો હોટ તો હું તને નામર્દ માનત.” બાપુજી બોલતાં બોલતાં રિવોલ્વરની ‘ચેમ્બર’માં કારતૂસો ભરતા હતા, “વિક્રમપૂરનાં રાણી સાહેબે...” એટલું બોલીને બાપુજી ચેમ્બર બંધ કરી અને રિવોલ્વરની ‘સેફ્ટી-કી’ (સલામતીની ઠેસી) જોર કરી બેસારી.

પિનાકીની છાતીમાં છેલ્લા ધબકારા ઊઠ્યા. બાપુજી વાક્ય પૂરું કર્યું:

૧૨૮
સોરઠ તારાં વહેતાં પાણી