પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“રાણી સાહેબે તારા માટે પંદર રૂપિયાની માસિક સ્કોલરશીપ કરી આપી છે.”

પિનાકીને શંકા પડી કે પોતાના કાન ખોટા પડી ગયા છે.

“હું તો અત્યારે ઊપડું છું.” બાપુજી રિવોલ્વર ચામડાની ‘કેઈસ’માં નાખતાં નાખતાં કહ્યું : “તું ને તારી ડોસી સાચવીને રહેજો. દાદાજીને બરાબર સાચવજો, હું જાઉં છું બહારવટિયા પાછળ. પાછો આવું કે ન યે આવું. જા, નાહીધોઈ ઝટ નિશાળે પહોંચી જા. માસ્તરે માર્યું એમાં નાસવા જેવું શું હતું! મારા બરડા પર તો હજુય નાનપણના સોળા છે.”

પિનાકીને એવું થયું કે બાપુજીના પગમાં પડી પડી રડી નાખું. મોટીબા આવીને ઊભાં રહ્યાં. એની પાંપણે આંસુના તારા ટમટમતા હતાં.

બાપુજી એને દેખી ભાણાને કહ્યું: “એ તો તારા નામનું મોં વાળીને બેઠી’તી ફકીર પાસે દોડતી’તી કાજળી જોવરાવવા, ને જોષી પાસે જતી’તી ટીપણામાં તને ગોતવા. આખી રાત મને ઊંઘવા ના દીધો. હું તો ખુશ થયો કે તેં એકલા નીકળી પાડવાની હામ ભીડી. આખરે તો સહુને એકલા જ જવાનું છે ને!”

“મોટા તત્ત્વજ્ઞાની!” મોટીબાના મોં પર હર્ષ અને વેદનાની ધૂપછાંય રમવા લાગી.

“મારું તત્ત્વજ્ઞાન તો, આ જો, આમાં ભર્યું છે.” મોટા બાપુજી રિવોલ્વર બતાવી. “હું રોતલ નથી. મારા છોકરાને રોતલ બનાવવા નથી માગતો. પૂછી જો બાપુને; માર ખાઈને હું ઘેર આવતો ત્યારે મને ઘરમાં પેસવા જ નહોતા દેતા. માસ્તર હતો જાલિમ. એને સ્લેટ મારીને હું ભાગ્યો’તો. બાપુજીએ મને ગોતીને શાબાશી આપી હતી.”

બહારની પરશાળમાં એક ખોંખારો આવ્યો અને હસવું સંભળાયું. એ તો દાદાજી હતાં.

પિનાકી એ વાર્તાલાપનો લાગ જોઈ બીજા ખંડમાં પેસી ગયો. ‘ઑરડરલી’ સિપાઈ શેખફરૂકની જોડે કૂદાકૂદ કરવા લાગ્યો. શેખફરૂક ખોટા સિક્કા પાડવા બાબત પકડાયો હતો, ને પછી ગુનાની કબૂલાતને પરિણામે નોકરીમાં ભરતી પામ્યો હતો. એટલો નેકીદાર હતો કે આ માણસ ખોટા સિક્કા પાડતો હતો એવું, એ પોતે કહે તો પણ, ન માની શકાય.

૧૨૯
સોરઠ તારાં વહેતાં પાણી