પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહીપતરામ કપડાં ચડાવીને બહાર નીકળ્યા, પણ પોતે જીવ સટોસટના જંગમાં જઈ રહેલ છે એવી કશી જ ડંફાસ એના દીદારમાં ન દેખાઈ.

મોટીબાએ આવીને કહ્યું: “અંબાજી માનો દીવો કર્યો છે, તે જરા પગે તો લાગતા જાવ.”

“હવે ઠઠારો મૂક ને, ઘેલી, એવી શી ધાડ મારી નાખી છે હજુ!” એમાં કહી ફરી પાછી બૂટની વાધરી છોડી. અંદર જઈ પગે લાગી, વળી કંઈક બીજું લફરું પત્ની કાઢી બેસશે એ બીકે વાધરી બાંધી – ન બાંધી ને ઊપડ્યા.

“એક વાત ના વીસરજો.” પત્નીએ કહ્યું.

“શું?”

“જેની પાછાળ ચડો છો એના આપણાં માથે ઉપકાર છે.”

“હા, હા; સરકારને હું કહેવાનો છું કે એને ઘીએ ઝબોળી રોટલી પહોંચાડવાનો બંદોબસ્ત કરે ! ભલી થઈને ક્યાંય આવા બબડાટ કરતી ફરતી નહિ.”

રાવસાહેબના એ શબ્દોમાં તોછડાઈનો આડો આંક હતો.

પત્નીએ અંદર જય દીવાને પ્રણામ કરતે કરતે ઉચ્ચાર્યું :

“ હે અંબાજી મા! સ્વામીની આબરૂ રાખજો, પેલાઓની પણ રક્ષા કરજો!”

બેવડી પ્રાર્થનાના આંચકા એના અંતરમાં લાગતા હતા.

પિનાકી સ્કૂલે ગયો. અજાયબ થયો. વર્ગો શરૂ થઈ ગયા હતા. હંમેશની રસમ ચાલુ હતી. છોકરામોનાં મોં પર ગંભીરતાનું વાદળ ઘેરાયું હતું, કંઈક થવાનું છે, ઝટ નથી થતું એ વધુ ભયાનક છે, હેડમાસ્તર કોણ જાણે શા મનસૂબા ગોઠવી રહેલ હશે – એવા એવા ભાવોનો મૂંગો ગભરાટ ઘેરો બન્યો હતો. પણ કશું જ ન થયું.

૧૩૦
સોરઠ તારાં વહેતાં પાણી