પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

28. પાછા જવાશે નહિ!


સોરઠમાં બે સ્થળોને ‘માનાં પેટ’ કહેવામાં આવતાં : એકા જળવાસીઓ માટેનું માનું પેટ અને બીજું થળવાસીઓનું. ‘બેટ તો માનું પેટ છે ભાઈ!’ એ કહેવાય છે દ્વારકાના બેટ શંખોદ્વારના દરિયાને માટે. ચોમાસાને દારૂડિયો સમુદ્રદેવ જ્યારે હોડકાંને, મછવાને અને સફારી વહાણને મોતના સંદેશા સંભળાવે છે, ત્યારે સાગર ખેડતા વહાણવટીઓ પોતાનાં નાવ લાવીને બેટની ખાડીમાં નાંગરે છે. મોટો મહાસાગર થોડે જ છેટે પડ્યો ‘ખાઉ-ખાઉ’ નાં હુંકાટા કરે છે, પણ માતાના પેટમાં સચવાતાં બાળકો સમાં આ વહાણોને સાગરની એક નાનકડી થપાટ પણ વાગતી નથી.

બીજું છે ‘ગિર માનું પેટ.’ ભયાનક શિશુઓ એ માના ઉદરનો આશરો લેતાં. નદીઓની ખોપો, પહાડોના ગાળા, વનરાઈની ઘટાઓ, ઊંટ ઓરાય તેટલા ઊંચા ઘાસ અને ગિરવાસીઓનાં નેસડાં - એમાં એક વાર ગાયબ થનારું માનવી મોટી ફોજોને પણ થકવી શકતું.

લખમણભાઈ અને પુનરવ છૂટા પડ્યા પછી રૂખડા શેઠની ઓરતે જખમી વાશિયાંગનું શરીર એક નેસડેથી બીજે નેસડે ખસેડી સંઘર્યું હતું. એને પાણીઢોળ કર્યા પછી ઓરતે એકાંત શોધી વાશિયાંગને પૂછ્યું : “કેમ જુવાન! ક્યાં જવું છે હવે?”

“તમે રાખો તમારી પાસે.”

“નહિ તો?”

“ઈશ્વર આગળ.”

“તું શા માટે મારી પાછળ પડ્યો છે?”

“ત્યારે કેની પાછળ જાઉં?”

“તારે ને મારે હવે શું રહ્યું છે?”

“તમારે નથી રહ્યું : મારે તો રહી ગયું છે.”

“આયરનો છોકરો આટલો નમાલો!”

“મને નમાલો કહીને તો તમે આપણાં લીધાં લગ્ને ભાંગ્યા, ખરું?”

“તને કહીને ભાગી’તીને – કે, મને તારા માથે હેત નથી છૂટતું.”

૧૩૧
સોરઠ તારાં વહેતાં પાણી