પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

29. નવી ખુમારી


યુરોપનું મહાયુદ્ધ આગળ વધતું હતું. લોકોની અક્કલ પણ આગળ વધતી હતી. નાનાં ગામોની ને મોટાં શહેરોની ટપાલ-ઑફિસોના ઓટા 'વિન્ડો ડિલિવરી'ના કાગળો મેળવવા માટે આવનારાં લોકોથી ઠાંસોઠાંસ રહેતા. ચબૂતરાની પરસાળો અને દેવ મંદિરોની ફરસબંધીઓ પર છાપાંનાં પાનાં પથરાતાં. અમદાવાદ પણ ન જોયું હોય તેવા લોકો યુરોપની જાદવાસ્થળીના યુદ્ધક્ષેત્ર પર પથરાયેલી લડાયક સડકોને નાનેથી ત્યાં રમ્યાં હોય તેવાં પિછાનદાર બની પકડતા.

યુદ્ધના મોરચામાં ક્યાં-કયાં ભૂલો થઈ રહી છે તેનું જ્ઞાન કાઠિયાવાડના નવરા પેન્શનરો પાસે સરકારના સેનાપતિઓ કરતાં વધું હતું! લીજ, નામુર અને વર્ડુનના કિલ્લામાં કેમ જાણે પોતે ઇજનેરી કામ કર્યું હોય, તેટલી બધી વાકેફગારી, આ વાતોડિયા દાખવતા હતા.

પણ એજન્સી સરકાર એ સોરઠી યુદ્ધ-જ્ઞાનની અદેખાઈ કરવા લાગી. પ્રાંતપ્રાંતના ડેપ્યુટી પોલિટિકલ એજન્ટો ગામેગામ ભમવા લાગ્યા. જાહેર સભાઓમાં તેઓએ નક્શા લટકાવ્યા. સોટીની અણી વડે તેઓએ આ નક્શા પર લડાઈની મોરચા બંધી આલેખી બતાવી. 'મિત્ર રાજ્યો'ના અને અંગ્રેજી લશ્કરોના દિગ્વિજયો શ્રોતાઓના ભેજામાં ઠસાવતા તેઓએ સોટીના ધોકા બની શકે તેટલા જોરશોરથી માર્યા. અને સભાએ સભાએ તેઓએ પ્રજાજનોની દર્દભરી બાનીમાં હાકલ કરી કે, 'લડાઈના મોરચા પર ગયેલા આપણા હિન્દી સૈનિકોને ખાવા માટે લવિંગ એલચી ને સોપારી નથી. પીવા માટે બીડીઓ નથી. ચા નથી. આપણો ધર્મ છે કે તેમને માટે ફાળો ઉઘરાવી આ મુખવાસો મોકલીએ.

પછી લવિંગના, એલચીનાં ને સોપારીના ઉઘરાણાં શરૂ થયાં. અરસપરસ આંખના મિચકારા કરતા વેપારીઓ અરધા રતલથી માંડી મણ મણ તજ-એલચીની ભેટ નોંધાવવા લાગ્યા. ગોરા-પ્રાંતસાહેબની હાજરીમાં આ હિન્દી સૈનિકો પરની વણિક-પ્રીતિ બેપૂર ઉછળી પડી.

છતાં અંદરખાનેથી લોકો રાજ પલટો ચાહતા હતા. 'પૃથ્વીરાજ રાસો' વગેરે જૂના પોથાંમાંથી ચારણ-ભાટો આગમના બોલ ટાંકી બતાવતા લાગ્યાં કે,

૧૩૫
સોરઠ તારાં વહેતાં પાણી