પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાબનું રામપાતર ફોડતા જશો."

"હું તો પેલા પુરબિયાની મનોદશા કેળાવી રહ્યો છું : સબ સબકી સમાલના, મેં મેરી ફોડતા હું. મારું સ્થાન તો હિન્દની પ્રજા સાથે છે. હું તો રાજા સાહેબોની સૃષ્ટિમાં વિધાતાની કોઈ સરતચૂકથી મુકાઈ ગયો છું."

"અધીરાઈ શી આવી ગઈ છે?"

"શૂળીની અણીને માથે ધીરજ રાખે તેની બલિહારી છે."

"ઠીક , આપણી વચ્ચે તો વિચારોનું અંતર જમીન-આસમાન જેટલું ગયું."

"એ અંતર પણ સમય પોતે જ પાજ બાંધી રહ્યો છે."

"ગમે તેમ, આપણે તો કૉલેજ કાળના ગોઠિયા."

"એ મૈત્રી તો કાયમી છે.'

દરબારગઢની ઘડિયાળમાં રાતના નવના ડંકા પડ્યા, ને સુરેન્દ્રદેવજી ઊઠયા. ઠાકોર સાહેબને એણે કહ્યું : "ચાલો ત્યારે વાળુ કરી લઈએ હવે."

“ઓલો વાંદરો હજુ આવે ત્યારે ને? “

“કોણ પ્રાંત – સાહેબ? હવે એ તો આવીને સૂઈ રહેશે.”

“એનું ખાવાપીવાનું?

“મારે ત્યાં તો ટાઈમ બહાર કોઈને ન મળે. મને પોતાને પણ નહિ.”

“ભૂખ્યો સૂવડાવવો છે એને?”

“ખાશે : એને ઉતારે પાઉં-બિસ્કિટ તો મુકાવ્યાં છે ને?” સુરેન્દ્રદેવજીના પેટનું પાણી હલતું નહોતું.

“હવે દીવાના બનવાનો તમારો વારો આવ્યો કે દેવ!”

ઠાકોર સાહેબે મશ્કરી કરતાં કરતાં પણ દેહશત અનુભવી.

“નહિ, નહિ; મારી અહીંની રસમ નહિ તૂટે.” સુરેન્દ્રદેવજી પોતાની કડકાઈ ન છુપાવી.

બેઉ ઊઠ્યા.

એક જ કલાક પછી ગામના કૂતરાં ભસ્યાં. પાંચ ઘોડેસવારો સાથે પ્રાંત સાહેબ ઝાંપે દાખલ થયા. ભસતાં કૂતરાને એણે અંગ્રેજીમાં બે ગાળો દીધી. કૂતરાં એ ગાળોને સમજ્યાં હોવા જોઈએ; કેમકે તેઓ દૂર જઈને વધુ ભસવા લાગ્યાં.

૧૩૮
સોરઠ તારાં વહેતાં પાણી