પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તારા સુધી પ્રાંત-સાહેબ જોતા ગયા. એણે આશા રાખી હતી કે ક્યાંઈક ને ક્યાંઈક રસ્તે સુરેન્દ્રદેવજી સામા લેવા ઊભા હશે, એને બદલે તેણે તો ઉતારામાં પણ સૂનકાર જોયો.

પૂછતાં જમાદાર અમલદારે કહ્યું: “દરબાર સાહેબ તો રોજના નિયમ મુજબ સૂઈ ગયા છે, સવારે મળશે.”

“હમેરા ખાના!” સાહેબે હુકમ કર્યો. જવાબમાં સૂકી અને ઠંડી ચીજો હાજર થઈ.

સાહેબને આ તમામ મામલો પોતાની જ નહીં પણ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યની બેઅદબીથી ભરેલો ભાસ્યો. પણ એણે ગમ ખાધી. સોડા અને દારૂનું મિશ્રણ પીને એ સૂઈ રહ્યો. સવાર પડ્યું. સુરેન્દ્રદેવજી આવ્યા નહિ.

સાહેબ પોતે તેમને બંગલે જવા તૈયાર થયા. માણસ જવાબ લઈને આવ્યો કે દરબાર સાહેબા રોજિંદી પ્રભુ-પ્રાર્થનામાં બેઠા છે. નવ વાગ્યે બહાર આવીને સાહેબને મળશે.

એજન્સીની સ્થાપના પછી અંગ્રેજ અમલદારોનાં કૂતરાં પણ આજ સુધી કદી આવી સરભરા નહોતાં પામ્યાં. તુમાખી અને તોછડાઈની હદ વટાવી હતી. ગોરાને સ્થાને કોઈ પણ દેશી અમલદાર હોત તો રમખાણ મચાવીને ગામ છોડત.

પણ ગોરો હાકેમ અપમાનનો ઘૂંટડો પી ગયો, આનંદ રાખીને પી ગયો; કારણ કે એ પીવાનો હતો સામ્રાજ્યની રક્ષાને કારણે. સામ્રાજ્યની ભાવનાએ ગોરાના કલેજામાં પાષાણ અને મીણ બંને મેળવીને મૂક્યાં હતાં.

સુરેન્દ્રદેવજીને મળ્યો ત્યારે ગોરો હાકેમ જરીકે દોર ચૂક્યો નહિ. માનપાનની લાગણીને તો એણે હ્રદયના પાતાળમાં ઉતારી હતી. દરબારશ્રીના ઓરડાની દીવાલ પર એક ટીડડું બેઠું હતું તે જોઈને પણ એ બોલી ઊઠ્યો: “ઓહ, વ્હોટ એ લવ્લી લિટલ ફેઇરી યૂ હેવ મેઇડ યોર પેટ! (ઓહ! કેવી રમ્ય પરીને તમે પાળી છે!)"

પછી એણે લડાઈની લોન વિષે તેમજ થોડા રંગરૂટો(યુદ્ધ માટે ફોજમાં ભરતી થનારાઓ) વિષે માગણી કરી.

સુરેન્દ્રદેવજીએ બેઉ વાતોની ઘસીને ના કહી.

૧૩૯
સોરઠ તારાં વહેતાં પાણી