પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમણે પોતાના તરફથી બકરા-કૂકડાનો બંદોબસ્ત ન કરી આપ્યો. બબરચીએ તો કંઈ કંઈ આશાઓ રાખી હતી, ને મહીપતરામ તો પહેલેથી જ પાણીમાં બેસી ગયા. બબરચીએ મહીપતરામને ધોળા દિવસે તારા દેખાડવાનો નિશ્ચય કર્યો.

બપોર ધખ્યો ને સાહેબોના ઘોડાની પડઘી વાગી.

બબરચીને શૂરાતન ચડ્યું.


30. બ્રાહ્મતેજ


સીને રેબઝેબ બે અસલ અરબી ઓલાદના ઘોડા તબડાટ કરતાં આવી પહોંચ્યા. બે અંગ્રેજ અધિકારીઓએ છલાંગ મારી ઘોડાના જીન છોડ્યાં.

તેઓનાં રેશમી ખમીસો રતુંબડા શરીરો સાથે પસીને ચોંટી ગયા હતાં, ભૂખ અને તરસની તેમના પેટમાં લાય લાગી હતી. છતાં સૌ પહેલાં તેમણે પોતપોતાના ઘોડાઓને જિગર-જાનથી થાબડ્યા. ઘોડાના કપાળ પર, બેટાને સગો બાપ પંપાળે તેવા પ્રેમથી, તેમણે હાથ પસાર્યા; અને ઘોડાના નસકોરાંનો જે વધુમાં વધુ પોચો ભાગ, તે પર બેઉ જણાએ બચીઓ ભરી.

બેમાંનો એક પોલિટિકલ એજન્ટ હતો, ને બીજો નવો આવેલ પોલીસ ઉપરી હતો. જૂના ખાનદાન સાહેબની લડાઈના સબબે બદલી થઈ ગઈ હતી.

તે પછી બેઉ અફસરો ’ખાના! જલદી ખાના લાવ!’ના પુકારા કરતા એ જંગલમાં બિચાવેલા રાવટીમાં મેજ પર ઢાળ્યા, અને બટલર તેઓની સામે ફોજદારની તોછડાઈની કથા લઈ ઊભો રહ્યો.

મોંની સીટીઓ બજાવી જંગલમાં મંગલ કરી રહેલા ગોરા સ્તબ્ધ બન્યા. બેડીગામના બંગલામાંથી ચેતાયેલા પ્રકોપનું છાણું અહીં ભડકો કરી ઊઠ્યું. સુરેન્દ્રદેવજીના તુચ્છકારને ગળી જનારા ગોરો ક્ષુધાની આગને ન સહી શક્યો. બદનને બહુ કસનારા, વિપત્તિઓ ને મુસીબતો સહેવામાં પાવરધા આ અંગ્રેજો આહારની બાબતમાં બાળકો જેવા પરવશ હોય છે. ખાણા ઉપર જ તેઓની ખરેખરી ખિલાવટ થાય છે. એટલે જ હિન્દી ઉપવાસો તેમને હેરત પમાડે છે.

૧૪૧
સોરઠ તારાં વહેતાં પાણી