પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહીપતરામના અંતરમાં ઘોડાપૂર પ્રલોભન ધસ્યાં:

સુરેન્દ્રદેવજી સિવાય બીજા કોઈનો આ સંદેશો ન હોય. એજન્ટ સાહેબ બે જ ગાઉ પર છે. જઈને રોશન કરું? તૂટેલી ફોજદારી હમણાં ને હમણાં પાછી વળશે. છૂટેલી કીરીચ પાછી કમર પર બિરાજશે, કેમ કે એજન્ટ વગેરે ગોરાઓને ઘેર તો આ ચિઠ્ઠી થકી ગોળના ગાડાં આવશે. સુરેન્દ્રદેવની તુમાખી પર સહુને હાડેહાડ દાઝ ચડી ગઈ છે.

ને એમાં કરવામાં ખોટું પણ શું છે? એ તો મારી એક નોકર તરીકે પણ ફરજ છે. મારી નિમકહલાલીને લાજિમ છે કે બહારવટિયાને નસાડવાની આવી છૂપી ફેરવી મારે પકડાવી દેવી.

કેટલી બધી નાલાયકી કહેવાય આ સુરેન્દ્રદેવજીની કે એણે મારી સિપાઈગીરીમાં બાંકોરું પાડવાની હામ ભીડી! મને એ બહારવટિયાના પલાયનમાં ભાગીદાર બનાવવા માગે છે!

પણ આ બાપડાનો શો દોષ! એણે મારા પર વિશ્વાસ મૂક્યો. હું વિશ્વાસઘાતી કેમ બનું!

નહિ, નહિ; એમાં વળી વિશ્વાસઘાત શાનો? જાલિમ બહારવટિયાના સાથીનો વળી વિશ્વાસઘાત શો? કોને ખબર – સુરેન્દ્રદેવને ઘેર બહારવટિયો લૂંટની થેલીઓ ઠાલવી આવતો નહિ હોય? આ બધા રાજા-મહારાજાઓ શું સારા ધંધા કરે છે? સુરેન્દ્રદેવ અને સુંદરપુરના ઠાકોર હજુ ગઈ કાલે જ ભેગા થયા’તા, તેનો ભેદ પણ ક્યાં નથી કલ્પી શકાતો? તેઓ બધા સરકાર વિરુદ્ધ કાવતરું પકવી રહ્યા છે.

ને હું રાજાઓનો કે સરકારનો? મારું સારું કરનાર તો સરકાર જ ને! ઉપરી સાહેબને તો મારી ઉદ્ધતાઈથી ક્ષણિકા રોષ ચડ્યો. બહુ બહુ તો તેઓએ મારી ફોજદારી લઈ લીધી. પણ આ ઠાકોર માયલો કોઈક હોત તો શું કરત? શું શું ન કરત? મને બદનામ તો કરત, ઉપરાંત રિબાવીને મારત.

સરકાર તો આવતી કાલે મારી ફોજદારી પાછી પણ આપશે. સરકાર હજાર દરજ્જે સારી છે. પાડ એના કે અદના સિપાઈને પણ એણે ઠાકોરો-ભૂપાલોનો ડારનાર બનાવ્યો, ને વાંકી વળેલી અમારી કામ્મરોને ઝૂકવાનું વીસરાવી ટટાર છાતીએ ઊભા રહેતાં શીખવ્યું.

૧૪૪
સોરઠ તારાં વહેતાં પાણી