પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ કાવતરું ફેડવું જોઈએ. કંઇ નહિ. હું સુરેન્દ્રદેવનું નામ નહિ લઉં. મને ખબર જ ક્યાં છે? હું તો ચિઠ્ઠી રજૂ કરી દઉં.

સંડાસમાંથી બહાર આવીને એણે ઘોડી પર ફરી સામાન નખાવ્યો.

રકાબ પર એક પગ મૂકે છે તે જ ઘડીએ મહીપતરામે એક ટેલિયા બ્રાહ્મણની ટેલ સાંભળી. મોટા સાદે સવાસો રૂપિયા ટેલ પુકારતો બ્રાહ્મણ નજીક આવ્યો.

“એમ નહિ મા’રાજ!” મહીપતરામે પૂછ્યું: "તમને જ્યોતિષ આવડે છે?“

“હા બાપુ કેમ ના આવડે?”

“હસ્તરેખા?”

“એ પણ.”

“આવો ત્યારે ઘરમાં.”

બ્રાહ્મણને લઈ પોતે અંદર ગયા. જઈને પૂછ્યું: “કાં, જગા પગી!”

બ્રાહ્મણવેશધારીએ કહ્યું: ”ફતેહ કરો. ચાલો ઝટ ચડો.”

“શું થયું?”

“એક પોતે ને બીજા નવ – દસેય જણા બેફામાં પડ્યા છે ચંદરવાની ખેપમાં.”

“બેફામ કેમ?”

“કેમ શું, પેટમાં લાડવા પડ્યા.”

“શેના લાડવા?”

“અમૃતના તો ના જ હોય ને?”

“એટલે?”

“કાંઇક ઝેરની ભૂકી મળી’તી.”

“કોના તરફથી?”

“હવે ઇ તમારે શું કામ? મેં મારા હાથે જ લાડવા ખવરાવી, લથડિયા લેતા જોઇ-કરીને આંહી દોટાવી છે.”

“જગુડા!” મહીપતરામનું મોં ઊતરી ગયું. “ઝેર દીધું?”

“નીકર શું ઝાટકે ને ગોળીએ મારવો’તો તમારે લખમણને?”

૧૪૫
સોરઠ તારાં વહેતાં પાણી