પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ ન રહ્યા. પૂજાના બાજોઠ પર જ બ્રાહ્મણનું બ્રાહ્મતેજ સાહેબોના ખાણાના મેજની સામે પ્રકાશેલ બ્રાહ્મતેજથી જુદી તરેહે દેદીપ્યમાના થઈ રહ્યું. પોતાનાં અંબાજીમાએ આજે એને એક મહાપાપમાંથી બચાવ્યો.

સાચા બ્રાહ્મણની એ પરમ કમાઈ!


31. બહાદુરી!

હીં ચંદરવાની ખોપમાં – એટલે કે જુગાન્તર-જૂની કોઈ વીજળી ત્રાટકવાથી ડુંગરાની છાતી વિદારાઈ ગઈ હતી, તેના પોલાણમાં ઘેઘૂર આંખે લખમણ પડ્યો હતો.

એ હવે પાંચ-સાત વરસો પૂર્વેનો ગૌચારક લખમણ નહોતો રહ્યો. બે વર્ષ પૂર્વેની બહેનનો ડાહ્યોડમરો ને પોચો પોચો ભાઈ પણ નહોતો રહ્યો. લખમણની છાતીમાં મરદાઈના મહોર ફૂટયા હતા. એનો અવાજ રણશિંગાના રણકાર જગવતો હતો. એનો સંગાથ અડીખમ આઠ મિયાણાઓનો હતો. ભાષા પણ લખમણની ચોપાસ મરદોની જાડેજી ભાષા હતી. મોળો બોલ ઉચ્ચારનાર પણ કોઈ નહોતું, લખમણની પાસે.

જગુ પગી લખમણનો વિશ્વાસુ કોળી : જગુને ખોળે લખમણ ઓશીકું કરીને નિરાંતે ઊંઘનાર. એ જ જગુએ લખમણને ને એના સાથીઓને ઝેર ભેળવેલ લાડવા જમાડી આજે પારેવાંને બાફી નાખે તેવા ઉનાળાને મધ્યાહને છેલ્લી ઊંઘના ઝોલાં લેવરાવ્યાં.

સહુ ઢળી પડ્યા પણ એકલા લખમણને દગાની સનસ આવી. લડથડિયાં લેતે-લેતે એણે ગળાની અંદર આંગળીઓ ઉતારી વમન કર્યું. લાડવાનું ઝેર પાયેલ લીલું અન્ન એના જઠરમાંથી થોડુંક નીકળ્યું. થોડીક આંખો ઊઘડી. તે વખતે લખમણે સામી ઊંચી ધાર ઉપર સાહેબ લોકોની બંદૂકો દીઠી. પછવાડે પચીસેક બીજા ખાખી પોશાક નિહાળ્યા.

લખમણ ખસી તો શકતો નહોતો. અંગ લગભગ ખોટું પડી ગયું હતું.

૧૪૭
સોરઠ તારાં વહેતાં પાણી