પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આખું ટોળું ડુંગરાની બહાર નીકળતું હતું ત્યારે ઘણાંખરાં પક્ષી માળામાં પેસી ગયા હતાં. પણ મૂવેલા બહારવટિયા માંહેલા એકાદનો કોઇ રખડતો કાળો રૂમાલ પગના વળેલા નખમાં ભરાઈ ગયેલો તે ન નીકળતો હોવાથી એક કાગડો એને લઈ લઈ ઊડ્યાઊડ્ય કરતો હતો, ને એનો વાંકગુનો તપાસ્યા વગર જ બીજા કાગડાઓ એને ચાંચો મારી મારી કકળાટ મચાવતા ઘૂમતા હતા.


32. વાતાવરણ ભણાવે છે

વિક્રમપુરના દરિયાને આલેશાન બારું હતું. એ બારાની દખણાદી દિશામાં ભેંસોનું ખાડું માંદણે પડી મહાલતું હોય તેવા કાળા, જીવતાજાગતા ખડકો હતા. લોકવાણીએ એનું 'ભેંસલા' નામ પાડ્યું હતું. ત્યાં આઠે પહોર આફળતાં મોજાં ફીણ મૂકતાં હતાં. વિરાટ મહિષાસુર વારિધિ જાણે કે વાગોળ્યા કરતો હતો. પાડાઓનું એકાદ ધણ ચાલ્યું જતું હશે તેમાં એકાએક જાણે દરિયાના પાણી તેના ઉપર ફરી વળ્યાં હશે! કેટલાક નાસીને બહાર નીકળ્યા હશે, કેટલાક ગૂંગળાઈને અંદર રહ્યાં હશે; એટલે જ, આ બહાર દેખાતા ખડકોની પાધરી કતારમાં જે કેટલાક ખડકો અઢી-ત્રણ ગાઉ સુધી પાણીની નીચે પથરાયેલા હતા. 'વીજળી' આગબોટ ગરક થઈ ગયાનું પણ આ એક ઠેકાણું મનાતું.

પિનાકીની મીટ સંધ્યાના ભૂખરા ઉજાસમાં એ ભેંસલા ખડકો પર ઠરેલી હતી. રાજના એક અધિકારી એને બંદર વિષેની વાતો કરતા હતા. એક ખારવો પોતાની જળચર જેવી આંખો તગતગાવતો 'વીજળી' આગબોટના ભૂત વિષેની વાતો હાંકતો હતો. દૂર એક દરબારી ઘોડાગાડી ઊભી હતી.

પ્રૌઢ વયના ઠાકોર સાહેબ ચોથીવારના લગ્નનું એક રહસ્ય બરાબર પકડી શક્યા હતા, કે યુવાન રાણીના નાનામોટા કોડ જેવા જાગે તેવા પૂરવા જોઈએ, નહિ તો લગ્નરસ ખાટો થઈ જાય. પ્રથમનાં લગ્નોમાંથી જડેલો આવો અનુભવ અત્યારે ઉપયોગમાં આવતો હતો.

એટલે જ તેમણે નવા રાણી સાહેબની ઈચ્છા થવાથી પિનાકીને વિક્રમપુર

૧૫૧
સોરઠ તારાં વહેતાં પાણી