પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કાળુ પાણી! ખરેખર કાળુ પાણી! .....રસ્તે રાત ક્યાં રહેવાનું છે?"

"દેવકીગામ."

"તૈયારી રખાવી છે?"

"બે ઠેકાણે."

"ક્યાં-ક્યાં?"

"દરબાર અમારો પટગર કહે કે, જમાદાર સા'બ મારા મે'માન થાશે : સામી પાટીમાંથી રૂખડ શેઠે હઠ કરી છે કે મારે ત્યાં જ ઉતારીશ."

"રૂખડ શેઠ કોણ છે?"

"વાણિયા છે. પણ કાઠીયુંનો પીર છે : હા, મે'રબાન!"

"એણે દીપડો ચીરી નાખ્યો એ વાત સાચી?"

"સાચી."

ધારોડ ધરતી ઉપર અધ્ધર ચડી નીચે પછડાયે જતા એ ગાડામાં બીજાં સર્વે ચૂપચાપ ધાકમાં બેઠાં હતાં. દીકરીનું નાનું બાળ બફાતું હતું. ગાડામાં છાંયાના લાકડે માએ એક ખોયું બાંધી આપ્યું તેમાં બાળક ફંગોળાતું ફંગોળાતું પણ ઊંઘવા લાગ્યું. ડોસા-દોસી બેઉ સંકોડાઈને ખૂણા તરફ લપાઈ ગયાં હતાં. કાચી સુવાવડે ઉઠાડવી પડેલી દીકરીને આરામ આપવા મથતી અમલદારની પત્ની કંઈક ને કંઈક હેરફેર કર્યા કરતી હતી. તેમાં કોઈને ખબર ન પડે તેવી અદબથી લપાઇ બેઠેલા દીકરીના મોટા પુત્ર 'ભાણા'ના કાન ચમક્યા. એણે પોતાના અમલદાર-પિતામહથી ફાળ ખાતે ખાતે પણ હામ ભીડી પૂછ્યું:

"શું દાદા! દીપડો - શું કરી નાખ્યો?"

પસાયતાએ ગાડાની નજીક આવીને કહ્યું : "હા, ભાઇ, દીપડો એટલે વાઘ, તેને - સે ને- તે એક માણસે બાથંબાથા કુસ્તી કરીને - સે ને વગર હથિયારે હેઠો પસાડ્યો, ને દીપડાના માથે સડી બેઠો. દીપડાને ગૂંદ્યો, ગૂંદ્યો, મરણતોલ ગૂંદ્યો, ને પસે બે હાથે દીપડાનાં બે ઝડબાં ઝાલી, આ તમે જેમ દાતણની સીર ફાડી નાખો ને - એમ એણે દીપડાને આખો ઠેઠ પૂંસડા લગણ સીરી નાખ્યો."

બાલકનું મોં ફાટી રહ્યું. એનો વિચારો ભમવા માંડ્યા. બન્ને બાજુએ ડુંગરાની ખોપો પણ હેબત પામીને પાષાણ બની ગયેલા પ્રેક્ષકો જેવી ઊભેલી હતી.

બાળકે પૂંછ્યું : "કોણે ફાડી નાખ્યો?"

સોરઠ તારાં વહેતાં પાણી