પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મળી, ને એ મેદની સમક્ષ પોતાની પ્રભુ પ્રેરિત શ્રદ્ધાને જોરે એણે જાહેર કર્યું કે, "યુરોપનું યુદ્ધ એ અંતરીક્ષમાં લડાતી દૈવી તેમજ આસુરી શક્તિઓની લડાઈનું પ્રતિબિંબ છે. ઇંગ્લન્ડ, રશિયા અને ફ્રાંસ છે દૈવી શક્તિઓના પ્રતિનિધિઓ, ને જર્મની, તુર્ક વગેરે શત્રુઓ છે અસુરોના પક્ષકારો. આખરે વિજય છે દૈવી સત્ત્વનો - એટલે કે ઇંગ્લન્ડનો, ફ્રાંસનો, રશિયાનો."

સાંભળતાંની વાર પિનાકી સ્તબ્ધ બન્યો. એની વીર પૂજા પર કોઇ શ્યામ છાયા પડી. એનું દિલ રસભર્યા કટોરા જેવું ધરતી પર પટકાઈને તૂટી પડ્યું. અંગ્રેજી સાતમું ધોરણ ભણનારો વિદ્યાર્થી આવી કોઈ વહેમની દુનિયામાં દાખલ થવા તૈયાર નહોતો. નહિ નહિ : કોઇ પણ દેશનેતાને કહ્યે નહિ : પ્રભુ પોતે નીચે ઊતરીને કહે તો પણ નહિ! ભાંગી ગયેલી પૂતળીના કકડાને બેઘડે હાથમાં ઝાલી રાખીને પછી પડતા મૂકતા બાળક જેવો પિનાકી સભામાંથી પાછો વળ્યો, ને વળતે દહાડે રાજકોટ ચાલ્યો.


33. અમલદારની પત્ની


ખમણ બહારવટિયાનો અંજામ પિનાકીએ આગગાડીમાં જ જાણી લીધો. 'મામી' પકડાઈને રાજકોટ ગયાની પણ ખબર પડી. ડુંગરામાં બનેલો મામલો મુસાફરોની જીભ પર હતો.

"પણ આ તો ગોરા બે સાહેબોની જવાંમર્દી, હો ભાઈ! એક મુસાફર કહેતો: "દેશી અમલદાર તો, કે' છે કે, ડરીને પૂજામાં બેસી ગિયો તો!'

પિનાકીને ફાળ પડી : મોટાબાપુજીની વાત તો નથી થતી ને? મોટા બાપુજી કદી ડરે?

"ગોરાના કશાં જ પરાક્રમ નો'તા, ભાઇ!" એક ડોશીએ સમજ પાડી: "અફીણ ભેળવી લાડવા ખવાર્યા લાડવા! મીણો ચડ્યો ને બહવટિયા મૂવા."

'અરર! મોટા બાપુજીએ આવો કાળો કામો કર્યો હશે?' પિનાકીનો આત્મા વલોવાયો. મુસાફરોની વાત આગળ ચાલી.

૧૫૫
સોરઠ તારાં વહેતાં પાણી