પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ને કાળાં કામાંની ખરી કરનારી ઓલી વેરાગણ ઉપર તો હવે શી શી નહિ થાય? જન્મટીપ દેશે."

"તો વળી પાછી એ જોગટી, ત્યાંથી જેલ તોડશે."

"એને ફાંસી કાં નથી દેતા?"

"એને ફાંસી નયે દિયે. કેને ખબર, કદાચ એના પેટમાં તો લૂંટારાનું ઓધાન હોય."

"કાળી નાગણી છે, હો ભાઈ! એક જુવાન આવ્યો એને ઇશ્ક કરવા, એને બંદૂકે દીધો ઇ સાપણે."

"ઇ બધું જ હવે એના મુકડદમામાં નીકળશે."

મુકર્દમો ચાલ્શે એવું જાણીને પિનાકીને હોશ આવ્યા. 'મામી'નો મેળાપ થવાનું ઠેકાણું સાંપડ્યું. મામી બહારવટાની આગમાં ભૂંજાઈને કોણે જાણે કેવીય થઇ ગઇ હશે. એના દેવતાઇ શીલ ઉપર બદનામી ચડાવનાર લોકો કેટલાં બધાં દોષિત હતાં! એક બસો વીઘાં ગૌચરની જમીનમાંથી આ વિનાશ જાગ્યો, કેટલાં જીવતરો રોળાયાં! ને મામીને પણ શી વીતી ને શી વીતવી બાકી હશે!

ઘેર પહોંચીને એણે મોટા બાપુજીની તલાશ કરી. કોઇ ન કહી શક્યું કે બહારવટિયા પરની ચડાઈમાં એ શા માટે શામિલ ન થયા. એટલું જ જાણ્યું કે સાહેબના તોછડા બોલ ન સહેવાથી એમણે કીરીચ-પટો છોડી દીધાં છે ને સાહેબોને મટન ન મળી શકવાને કારણે એમની ફોજદારી તૂટી છે.

મોટીબાની આંખોમાં દિનરાત આંસુ દડાતાં રહ્યાં. અંબાજીની છબી પાસે અખંડ દીવા બાળતી એ સ્ત્રી બેઠી રહી. એણે ઉપવાસો આદર્યા. બેઠી બેઠી એ બોલતી હતી કે, 'અંબાજી મા, તમારા દીવાનાં દર્શન કરીને તો એ ગયા'તા. એની નીતિનું પાણી પણ મરે નહિ. એ તો સાવજ સરીખા છે, ડારીને ભાગે નહિ. નક્કી આમાં કશોક ભેદ છે. તમારી તો મને પૂરી આસ્થા છે. મા! તમે અમારું અકલ્યાણ કદાપિ ન થવા દો.'

દરમિયાન તો મહીપતરામને પાછા આવવાનું ફરમાન ગયું હતું. પોતાની ગફલતનો જવાબ આપવા એ હાજર થયા. રાતના ત્રણ વાગ્યાની ગાડીમાં એ આવ્યા. આવીને પહેલી ભેટ એણે જાગરણ ખેંચતી પત્નીની કરી. એણે કબૂલ કર્યું: "તારાં અંબાજીમાએ આપણી રક્ષા કરી છે."

૧૫૬
સોરઠ તારાં વહેતાં પાણી