પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"નહિ સા'બ!" સાહેબે એનાં ચાંદુડિયાં પાડ્યાં. "બમન ડર ગયા."

"કભી નહિ!" મહીપતરામે શાંતિથી સંભળાવ્યું.

"બહારવટિયા પાસેથી કેટલી રુશવતો ખાધી છે?"

"સાહેબ બહાદુર તપાસ કરે ને સાચું નીકળે તો હાથકડી નાખે."

"સુરેન્દ્રદેવની ભલામણથી જતા અટક્યા'તા?"

"નહિ સા'બ."

"સુરેન્દ્રદેવની ભલામણ આવી હતી ખરી?"

મહીપતરામે મૌન સાચવ્યું.

"અચ્છા!" સાહેબ પગ પછાડ્યા. "બૂઢા હો ગયા. તૂમકો સરકાર નોકરીસે કમી કરતી હે."

મહીપતરામે સલામ ભરી રુખસદ લીધી.

મહીપતરામ તૂટી ગયા, એ સમચાર સોરઠમાં પવન પલાણીને પહોંચી ગયા. મહીપતરામને યાદ આવ્યું કે આજ સુધી અનેક નાનાં રજવાડાઓએ પોતાના પોલીસ-ઉપરી તરીકે એની માગણી કરી હતી પણ એણે જ ના પાડ્યા કરી હતી. એજન્સીએ પણ હંગામી સમયમાં એક બાહોશ આદમીને ખોવાની નારાજી બતાવી હતી. અત્યારે મહીપતરામની નજર એ રજવાડાં પર પડી. એણે કાગળો લખ્યા. જવાબમાં અમુક દરબારોએ કહેવરાવ્યું કે એજન્સીનો સંદેહપાત્ર પોલીસ-ઉપરી અમે રાખીએ તેમાં અમને જોખમ છે, બીજા કેટલાકે જવાબ ન મોકલ્યા. એક ફક્ત સુરેન્દ્રદેવજીનું કહેણ આવ્યું: "મારે ત્યાં રહો. વાટકીનું શિરામણ છે, પણ રોટલો આપી શકીશ."

મહીપતરામે સામે કહેવરાવ્યું: "આપને સરકાર ખરાબ કરતાં વાર નહિ લગાડે."

"સરકારડી બાપડી કરી કરીને શું કરશે?" સુરેન્દ્રદેવે મહીપતરામને રાજકોટમાં રૂબરૂ તેડાવી કહ્યું.

"નહિ નહિ, દરબાર સાહેબ, હું જાણી જોઈને આપત્તિનું કારણ નહિ બનું."

રાજકોટના મોરબી સ્ટેશનની બાજુએ ખોરડું ભાડે રાખીને મહીપતરામ પોતાનાં ઢોરઢાંખરા લઈ રહેવા લાગ્યા. પિનાકીને ભણાવવાના લોભથી રાજકોટ

૧૬૦
સોરઠ તારાં વહેતાં પાણી