પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છોડી ના શકાયું. હાથમાં એ-નો એ દંડો રાખતા અને ધોતિયા પર ખાખી લાંબો ડગલો તેમજ ખાખી સાફો પહેરીને એ ગામમાં ફરવા લાગ્યા. થોડા દિવસ તો એમને કેટલીક બેઠકમાં ને ઑફિસોમાં સત્કાર મળ્યો. પણ નોકરીથી – તેમાંય પોલીસની નોકરીથી - પરવારી જનાર ભાગ્યે જ કોઈ બેઠકમાં પોતાનો સૂર મિલાવી શકે છે. એની પાસે વાર્તાલાપનો પ્રદેશ એકનો એક જ હોય છે. એ વાતોમાંથી કોથળીમાંથી ઝંડુરિયો, કાસૂડો, ખોટા રૂપિયા પાડનારો દસ્તગીર, પેધો અને લધો મીયાણો, ઝીણકી વાઘરણ અને મિયાં મેરાણી વગેરે પાત્રોના ખજાના ઝટ ઝટ ખૂટી ગયા. પોતે જંગલમાં બે-પાંચ વખત શિકાર કર્યા હતા તેની રોમાંચક વાતો પણ ચુસાઈ ચુસાઈને છોતાં જેવી થઈ ગઈ. કંટાળેલા વકીલો, શિક્ષકો અને કામદારો મહીપતરામભાઈને આવવાનો વખત થાય એટલે બહાર જવા લાગ્યા.

કોઈ કોઈ વેપારી દોસ્તોની દુકાને બેસી બેસી મહીપતરામે અનાજ, પથ્થર, કપાસ વગેરેના વેપારમાં નજર ખૂંચાડવા પ્રયત્ન કર્યો પણ થોડા જ દિવસોમાં એને ખાતરી થઈ કે શકદારો, ગુનેગારો વગેરેનાં ઝીણાંમાં ઝીણાં ચહેરાનિશાનોને વીસ વીસ વર્ષો સુધી ના ભૂલી જનારી પોતાની યાદદાસ્ત ઘઉંના ગઈકાલના ભાવોને પણ સંઘરવા તૈયાર નહોતી. ભદ્રાસરની ડાકાયટી કરાવનાર રાણકી કોળણને ડાબે ગાળે તલ હતો તેની સંભારણ રોજ તાજી રાખવી સહેલી હતી; પણ ખાવામાં તલની કઈ વાનગી કાલે આવી હતી તે સંભારી રાખવું અશક્ય હતું.

મહીપતરામે પોતાની બેકારીને વ્યાપાર-ધંધાથી પૂરવાની આશા છોડી. કોઈની અરજીઓ લખી દેવાનું કામ સૂઝયું. પણ બંદૂક-તલવારોની મહોબતે રમેલાં આંગળાએ તુમારી કામ ક્યે દહાડે કર્યું હતું! અક્ષરો ભાળીને જ માણસો દૂર ભાગ્યા.

આખરે મહીપતરામને એક બૂરી મૂંઝવણનો દિવસ આવી પહોંચ્યો. ચાર ઢોરને માટે ઘાસના ભરોટિયા લેવાના પૈસા નથી રહ્યા. ઘોડીની ઓંગઠનું પણ તરણું નથી રહ્યું. પત્ની રસોડામાં બેઠી બેઠી રડે છે. ઢોરને પાણી પાવા લઈ જનાર નોકર પણ સૂનમૂન બેઠો છે. વિક્રમપૂરથી પિનાકીની સ્કોલરશીપનો મનીઓર્ડર આવ્યો હતો તે પણ ઘાસની મોંઘી મોંઘી ભારીઓ લેવામાં ખરચાઈ

૧૬૧
સોરઠ તારાં વહેતાં પાણી