પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"જેણે ફાડી નાખેલ તેને આપણે રાતે મળશું, હો ભાણાભાઈ!" અમલદાર પણ ઝોલાં ખાવા લાગ્યા: ગાડાખેડુને પસાયતાએ ભૂંગળી ભરવા સૂચવ્યું. જવાબમાં પેલાએ સાફ કોથળી બતાવી દીધી.

ખેલ કરી રહેલા સાપને મદારી જેમ કરંડિયામાં પૂરે તેમ અંધકાર દિવસને રાત્રિના ટોપલામાં પૂરવા લાગ્યો.

બેઉ પસાયતા બીડી ચેતાવીને જરા પાછળ રહ્યા. વાત શરૂ કરી જુવાને પૂછ્યું : "જમાદાર નાતે કેવા છે?"

"બામણ લાગે છે, નામ મેપતરામ છે - ખરું ને!"

"આમની પહેલાં કોણ હતો?"

"વાણિયો."

અંધારું ખરલમાં ઘૂંટાતા સુરમાની પેઠે ઘાટું બની રહ્યું હતું.

"વાણિયાબામણ કેટલાક?"

"અરે, હું તો પચીસ વરશથી જોતો આવું છું : એક રજપૂત અને એક મિયાણા સિવાય તમામ વાણિયાબામણ જ આપણા જમાદારો બનીને આવી ગયા."

"ફટ્ય!"

"કેમ, સુરગ, ફટકાર કોને આપ્યો?"

"આપણી જાતને જ."

"મને વિચાર આવે છે, આ વાણિયાંબામણાં શી તાકતને જોરે ઠેઠ ગરકાંઠો ખેડે છે? લેખણને જ જોરે?"

"છાતીને જોરે, સુરગ, કલેજાંને જોરે. લેખણ એકલી હોય તો આ કાઠી જેવા અને જત જેવા કાંટિયા મુલકમાં એ ઢૂંકે કે? આવી અઘોર એકાંતમાં ફાટી ન પડે!"

"મારા મનમાં પાપ ઉપડે છે?"

"શું છે?"

"આની પાસે પાંચસો-હજાર તો હશે જ ને?"

"છાનો મર, સુરગ, વા ગાડાઢાળો છે."

સોરઠ તારાં વહેતાં પાણી