પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોરો સાહેબ મારી આટલી હદે ખબર લે છે! વાહ સાહેબ તારી ખાનદાની! કેટલી રખાવટ!”

“પણ બાપુજી, હજુ ‘તા.ક.‘ કરીને એણે લખ્યું છે.”

“શું છે?”

“કે-“

તમારા બાપનો જોષ સાચો પડતો જણાય છે. મને થોડાં વખતમાં જ મુંબઈના કમિશ્નરનો હોદ્દો મળશે. તમારા પિતા મહાન જ્યોતિષી હોવા જોઈએ.

એ સાંભળીને તો મહીપતરામનું હસવું પાંસળીઓને ભેદવા લાગ્યું.

“એ શું? હેં બાપુજી?“ પિનાકીએ પૂછ્યું.

“બાપડાને મેં એક વાર બનાવ્યો’તો. જ્યોતિષ-ફોતિષ તે મારો ક્યો ડોસો જાણતો’તો! મેં તો મારી ગપ, ને પડી ગયું સાચું.”

ઘરમાં જઈ એણે પત્નીને બોલાવી કહ્યું: “આમ તો જો જૂના જમાનાના સાહેબ લોકોની મહોબ્બત! ક્યાં એ પડ્યા છે! ક્યાં હું! પણ ભૂલ્યા મને? ને હવે? જો તું એક કામ કર. સરસ મજાનાં સેવ, પાપડ અને વડી કર. આપણે સાહેબ બહાદુરને મોકલશું. એને બહુ ભાવતા : યાદ છે ને?”

“ભેળું મારું અથાણું યે મોકલીશ : રૂપાળું સોના જેવું ધરમક અથાણું!”

“તું બધું એકલે હાથે કરી શકીશ?”

“ત્યારે? હવે સિપાઈઓની વહુને ક્યાંથી લાવીએ?”

“હવે તો ભાણાની વહુ આવે ત્યારે કરાવવા લાગે, ખરું ને?” મોટાબાપુજીએ આજે પહેલી વાર ભાણેજની હાંસી કરી. પિનાકી ચમકી ગયો. કોઈ અણસમાતા આનંદને કોઇક જ પ્રસંગે બાપુજી આટલા આછકલા બનતા. છતાં આવી હાંસીનો તો આ પ્રથમ જ ઉચ્ચાર હતો.

પિનાકી ત્યાંથી ખસી ગયો પણ હૈયાની આંબા-ડાળે ઝૂલતું કોઈક ચાવળું કાબર પક્ષી ન રહી શક્યું. ‘ભાણાની વહુ આવશે!’ એવા ચાંદુડિયાં એના હૃદયમાંથી એ પાડવા લાગ્યું.

૧૬૪
સોરઠ તારાં વહેતાં પાણી