પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

35. પ્રેરણામૂર્તિ


પિનાકી નિશાળે ગયો. રસ્તામાં ઝીણાં પાંખાળાં જંતુઓનું ઝૂમખું હોય તેવો આ વિચાર તેના મોંને વીંટળાતો રહ્યો. ‘વહુ’ એ શબ્દનો ઉચ્ચાર પણ એને ખરાબ લાગ્યો. એના આખા શરીરની ચામડી પણ ખાજવણીનાં પાંદ કોઈએ મસળ્યાં જાણે! ચેન પડતું જ નહોતું. વર્ગમાં સવાલો પૂછાય તેના જવાબો આપવામાં પણ પિનાકીને ફાવ્યું નહિ. પરણવું અને વહુ લાવવી? આંબાના નાનકડા રોપણી ડાળીએ કોઈ બનાવટી કેરી લટકાવે તો કેવું વિચિત્ર લાગે! કેવું કૃત્રિમ, બેડોળ અને બેહૂદું! વહુનો વિચાર આ સત્તર વર્ષના જુવાનને એટલો જ નામુનસબ લાગ્યો. આ મશ્કરી એને ગમી નહિ.

સાંજે ક્રિકેટની રમતમાં એ દાઝેભર્યો રમ્યો. બેટને પ્રત્યેક ફટકે એ ‘વહુ’ના વિચારને ઝૂડતો હતો. પસીનાનાં પાણી વાટે જાણે બદનના પ્રત્યેક બાકોરામાંથી ‘વહુ’ને એણે નિચોવી નાખી.

આટલી બધી તકલીફ એને શા માટે લેવી પડી? સત્તર વર્ષના કિશોરને અંતરે વહુની વાત જોર કરીને કેમ પેસી ગઈ?

કારણ કે પિનાકીનું હૃદય આટલી કાચી ઉંમરે પણ સાફ નહોતું. કૂંપળોની ટીશી જેવું કપટહીન એનું મન નહોતું. દેવુબાને એ તાજેતરમાં જ જોઈ મળી આવ્યો હતો. ને દીપડાને પશુની ગંધ આવે તેમ એને કોઈ એક માદક સોડમ તલસાવતી હતી. સત્તર વર્ષનો કિશોર – વીસમી સદીના ચડતા પહોરની દુનિયામાં વિહરતો કિશોર - વેદકાળના તપોવનોને સામની ઋચાઓથી ___ કરતો, વિકારી ભાવોને કડકડતી ટાઢના તારાસ્નાનમાં ગંગા-પ્રવાહે વિસર્જન દેતો બ્રહ્મચારી બટુક તો થોડો જ હોઈ શકે છે!

ત્યાં તો ગંગાના વહેણ રાજકોટ મુકામે જ વહેતાં થયાં. બહારવટું જગાવનારી એ જોગણનો, રૂખડ શેઠની એ ‘રાંડ’નો, ભાણાભાઈની ‘મામી’નો મુકદમો મંડાયો.

અદાલતમાં જવા માટે પિનાકી નિશાળનાં વર્ગો છોડ્યા. અદાલતમાં ઓરડો ઠાંસોઠાંસ દીઠો. પ્રથમ વાર જોતાં તો પિનાકીને ભ્રાંતિ થઈ કે આ તે શું સોરાઠની મૂછોનું પ્રદર્શન છે? દાઢી-મૂછના ત્યાં કૈંક કાતરા હતા, કૈંક થોભિયાં

૧૬૫
સોરઠ તારાં વહેતાં પાણી