પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતાં, કૈંક વળી વીંછીની પૂંછડી-શા આંકડા વાળેલી મૂછો હતી, કેટલાક હોઠ ઉપર ખિસકોલીની કાબરી પૂંછડીઓ જાણે કે કાપીને ગુંદર વતી ચોડી હતી. કેટલાક જાણે કે લોઢાના લાંબા સોયા હતા. કેટલાક બૂઢાઓએ પોતાની સફેદ લાંબી મૂછોના છેડા મરોડીને જાણેકે ગાલ સાથે રૂપાનાં ચગદાં ચોડ્યાં હતાં. કેટલીક દાઢીઓ ત્યાં પંખીને માળા કરવા જેવી હતી. કેટલીક ઓળેલી, સેંથા પાડેલી હતી. કેટલીક પડતર ખેતરો જેવી હતી.

ગીરકાંઠાનો સોરઠ અદાલતમાં આ રીતે રજૂ થયો હતો. ફાંદાળા ફોજદારો નાકા ઉપર ભાંગેલી દાંડલીના ગામઠી ચશ્મા ચડાવીને મેલા કાગળિયા વાંચતા હતા. ગામડાંના ગાભરા લોકોનું એક એક ટોળું વાળીને ડાઘિયા ‘બુલ-ડોગ’ જેવા લાગતાં અમલદારો સાક્ષી-પુરાવાની સજાવટા કરતાં હતા. જુદાં-જુદાં ટોળાની વચ્ચેથી એ ફોજદારો જમાદારો ને મુખી પટેલોના ચોખ્ખા બોલ ઊઠતાં હતાં: “જો, પાંચિયા, તારે કહેવું કે ભાણગઢની ડાકાયટીમાં ભેળી હતી તે આ જ રાંડ છે.”

“પણ પણ...” ગામડીયો પોપટ પઢાવેલું પઢતાં અચકાતો હતો: ”સાબ, ઇ બાઈએ તો તેદુની લૂંટ બંધ પડાવી’તી ને!”

“અરે બોતડા!” અમલદારના શબ્દો એની ફાંદમાંથી ભીંજાઈને નીકળતા હતા: “તારું ડા’પણ તારી પાસે જ રાખ, ને હું કહું છું તેમ બોલજે.”

“પણ એની વાંસે ગીરના પાંચસે માલધારીઓ છે, અને સા’બ, એ અમને જંપવા નહિ આપે.”

“ઠીક ત્યારે, બોલીશ મા, ને પછી જોઈ લે જે બેટા મારા!” કહેતો અમલદાર જે બે આંખો બતાવતો હતો તે આંખોમાં ગુપ્ત વાંછનાનો અગ્નિ હતો.

ઊનની લોબડીઓ ઓઢેલ ગામડિયાણ સ્ત્રીઓ – બૂઢીઓ ને તરુણીઓ – અમલદારોની પાસે ગવાહીનું ભણતર ભણતી હતી. ગામડાંના ઊભા પાકને તરસ્યા સુકાતા છોડીને ખેડૂતો અહીં પુરાવા આપવા હાજર થયા હતા. આગલી-પાછલી અદાવતોનાં લેણદેણાં જેની જેની જોડે ચોખ્ખા કરવાનાં હતાં. તે તમામ લોકોને લખમણ બહારવટિયાની ડાકાયટીઓમાં સંડોવનારી સાહેદીઓ

૧૬૬
સોરઠ તારાં વહેતાં પાણી