પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોલીસની પેદલ ટુકડી પેલી બાઈનો જાપ્તો રાખતી હતી કે ઇનો મલાજો સાચવતી હતી.

એવી ભ્રમણા સકારણ હતી. ઓરતનો કદાવર દેહ દેવ મંદિરે સંચારતી કોઈ રાજવણને ઝાંખી પાડતો હતો. એના મોઢા ઉપર, એની ગતિમાં, પ્રત્યેક પગલામાં, નજરમાં, ડોલનમાં વાણી હતી – મૂંગા અભયની. અભયનું એ નાટક નહોતી કરતી. જેવી વાત તેવી જ એ ચાલી આવતી હતી. એના મોં પર ગમગીનીએ જાણે માળો ગૂંથ્યો હતો. મેલું ભગવું એના માથાના ઘાટા કેશ-જૂથને અદબમાં રાખતું હતું. હાથ એના એવી તોલદાર રીતથી ઝૂલતા હતા કે જાણે અત્યારે પણ એના પંજામાં બંદૂકો હીંચતી હોય એવો વહેમ આવે.

કેટલાય પિછાનદાર ચહેરાને પકડતી એની આંખો ટોળામાં આંટા લઈ વળી. એની ઓળખાણમાં ના આવવામાં જ સાર સમાજનારા ગામડિયાં નજર સરકાવી જતાં હતાં, એની મીટ જોડે મીટ મિલાવનાર ત્યાં કોઈક જ હતું.

સાંકડી પરસાળમાં ગિરદીની વચ્ચે કેડી રચાઈ ગઈ. એ કેડી વચ્ચે આ બાઈ ચાલતી. ત્યાં એક બાજુથી પિનાકી સંચાના પૂતળા પેઠે ઉઠયોને બોલ્યો : “મામી!”

“કોણ?” બાઈએ ઉઠનારની સામે જોયું. ઓળખ્યો; “અરે કોણ – ભાણાભાઈ! જે ધજાળાની, બાપ! આવડા મોટા ક્યારના થઈ ગ્યાં! સાદે બદલી ગયો. ખમા તમને.”

એમ કરતી એ તો નિરાંતે ઓવારણાં લેવા ગઈ. પોલીસના નાયકની મૂંઝવણનો પાર ન રહ્યો. ધીરેથી કહી રહ્યો: “નહિ , નહિ, નહિ, બાઈ! બોન! નહિ, ભાણાભાઈ! અહીં નહિ!”

નાયક એકને બહારવટિયાણી જાણી સન્માનતો હતો ને બીજાને પોતાના જવાંમર્દ અમલદાર મહીપતરામભાઈના ભાણેજ તરીકે રમાડી ચૂક્યો હતો.

“થોડીક વાર, ભાઈ થોડીક જ વાર.” ઓરતે હસતે હસતે પિનાકીની ગરદન પર હાથ ફેરવ્યો અને નાયકને સમજાવ્યું: “આ મારો બચ્ચો છે. ઘણે વરસે જોયો.”

બોલતાં બોલતાં એની આંખો ગંભીર ને ગંભીર જ રહી પણ પિનાકીને તો ‘બચ્ચો’ શબ્દે ઓગાળી નાખ્યો. મામીના હાથનું અમી એની ગરાદાનમાં

૧૬૮
સોરઠ તારાં વહેતાં પાણી