પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંદર પેસી જઈ કોઈ ન કળી જાય તેવી સિફતથી નીચા વળી બેસી ગયા.

કામકાજ શરૂ થયું. પહેલી જુબાની આપવા દાનસિંહ ફોજદાર ઊભા થયા. એના માથાના ખાખી ફટાકાનું લાંબું છોગું આથમણા પવનની લહેરખીઓ જોડે ગેલ કરી રહ્યું હતું. એની મૂછો અને રાણા પ્રતાપની મૂછો મળતી આવતી હતી. એ પોતે સિસોદિયાના વંશજ કહેવાતા હતા. એના અદાવતીયા રાજપૂતો નકામી વાતો હાંકતા કે દાનસંગ તો ખવાસનો છોરો છે.

જુબાની લેતે લેતે પબ્લિક પ્રોસિક્યૂટરે પોરો ખાધો. એટલે આરોપી ઓરતનો સાદ સંભળાયો: “દાનસંગ દરબાર!”

ફોજદારની સાથે આખી મેદનીની આંખો એ ઓરત પર મંડાઈ.

“મને ઓળખો છો કે દરબાર?” બાઈ મોં મલકાવતી પૂછવા લાગી.

“ઓળખું છું. તું લૂંટનો માલ સંઘરતી.”

“એ નહિ, બીજી એક ઓળખાણ છે આપણી યાદ આવે છે? જીંથરકીના નેરામાં આપણે મળ્યાં’તાં : યાદ છે?”

દાનસિંહનું મોં રાતું પીળું થઈ ગયું. એણે ન્યાયમૂર્તિને અરજ કરી: “નામદાર, હું આપનું રક્ષણ માંગુ છું.”

પોલીસ-પ્રોસિક્યૂટરે વિનંતિ કરી : “આ ઓરતને બકબક કરતી રોકો, નામદાર.”

“હું બકબક નથી કરતી. ન્યાયના હાકેમ! હું આ દાનસંગજી બહાદરને એમ પૂછવા માંગું છું કે દોલુભા નામના કોઈકા બહારવટિયા જુવાનને એમને ભેટો થયેલો કે નહિ?”

“દોલુભા...” દાનસિંહજીએ પ્રયત્ન કરીને વાક્ય ગોઠવું: “દોલુભા નામનો શખસ આ ટોળીમાંથી ગુમ થયો છે, નામદાર! એના વાવડ કરાંચી તરફના સંભળાયા છે.”

“ભૂલી જાવ છો, દાનસંગજી બહાદુર! કરાંચી તરફ તો જૂના કાળમાં કાદુ વગેરે મકરાણીઓ ભાગતા’તા, કેમકે એ મકરાણીઓ હતા. એની ભોમકા આંઇ નો’તી. એ હતા પરદેશીઓ. એને આ ભૂમિની માટી ભાવે નહિ. પણ અમે તો સોરઠમાં જલમ્યાં, સોરઠને ધાવી મોટાં થયાં, સોરઠને ખોળે જ સૂવાનાં. એટલે, દાનસંગ બહાદુર, દોલુભા આ દેશનાં મસાણ મેલીને પારકી ભોમમાં

૧૭૨
સોરઠ તારાં વહેતાં પાણી