પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મરવા ન જાય. દોલુભા નથી ભાગી ગયો. જીંથરકીને વોંકળે તમે ને એ મળ્યા'તા, સંધ્યાટાણે તમને એણે પરોણો મારી ઘોડીએથી પછાડ્યા'તા, તમારો તલવાર-પટોને ને બંદૂક ત્યાં વેરાઈ ગિયા'તાં ને તમે બહુ રગરગ્યા, કે દોલુભા, મારા છોકરાં રઝળશે ને મને કોઈ ટોયોય નહિ રાખે. ત્યાર પછી દોલુભાએ તમારાં હથિયાર પાછાં દઈ તમને વિદાય દીધેલી. એ વાત તમારી કોઇ ડાયરીમાં તમે સરકારને જણાવી છે, દાનસંગજી બહાદર? આ ઊભો એ-નો એ જ દોલુભા."

એમ કહીને બહારવટિયાણીએ પોતાની છાતી પર હાથ થાબડ્યો.

"બટ સર, બટ સર," એમ બોલતા પબ્લિક પ્રોસિક્યૂટર તહોમતદારણની ધર ધર વહેતી વાગ્ધારાને રૂંધવા ફોગટ મથતા રહ્યા. ન્યાયમૂર્તિએ એના સામે મોં મલકાવી હાથની ઇશારતથી બેસી જવા કયું. ઓરતના એકએક બોલને, મોરલો દાણા ચણી લે તેવી મીઠાશથી ન્યાયાધિકારીએ ઝીલી લીધો. ને એ હસ્યા એટલે આખી મેદનીનું હાસ્ય કોઇ દડતા ઘૂઘરાને પેઠે ઝણઝણી ઊઠ્યું.

બાઇના વચનોએ નવી અસર પાડી. એક પછી એક સાહેદ ઊભું થઈ થઈ બોલી ગયું કે દોલુભા નામના બહારવટિયાએ તો દરેક ડાકાયટી વખતે ગામની સ્ત્રીઓની રક્ષા કરી છે, છોકરાંને રોતાં રાખ્યાં છે, અને જે જે ડાકાયટીમાં દોલુભા શામિલ થયો હતો તે દરેક કિસ્સામાં લૂંટાયેલા ખોરડાંની કોઈક ને કોઈક વિધવા પિત્રાઇઓને હાથે અન્યાય પામતી હતી. ને દોલુભા બહારવટિયો એ નિરાધાર વિધવાનો ધર્મભાઈ બની ત્રાટકતો. સિતમગર સગાંઓને લૂંટીને પાછો દોલુભા બહારવટિયો તો આવી ધર્મબહેનોને આપતો.

હાજર થયેલી ગ્રામ્ય સ્ત્રીઓમાંથી જેણે જેણે દોલુભાને દીઠો હતો, તેણે એ ઝાંખા રાત્રી-તેજમાં દીઠેલી સૂરત આ ઓરતના ચહેરામાં દેખી. 'આ પંડે જ દોલુભા?' એવા ઉદ્ગારો કાઢતા બૂઢી બાઈઓનાં ડાચા ફાટી રહ્યાં. પુત્રવતીઓ હતી તેમાંથી કેટલીકે હેતની ઘેલછામાં ધાવણાં છોકરાને કહ્યું: "આ આપણા દોલુભા મામા!"

કોઈ કોઈએ દૂરથી બાઇના ઓવારણાં લીધાં.

'મરદનો લેબાસ પણ શો ઓપતો'તો આને!' કેટલીક સ્ત્રીઓના પ્રાણ બોલી ઊઠ્યા.

ન્યાયાધિકારી અંગ્રેજને એ વીસમી સદીનો યુગ હોવા – ન હોવા વિષે જ

૧૭૩
સોરઠ તારાં વહેતાં પાણી