પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાઢી. એણે પ્રોસિક્યૂટરથી નજીક હોવાથી આ બોલ સ્પષ્ટ પકડ્યા હતા. એણે સંભળાવ્યું : "સાંભળી લ્યો, મિયાં! સાત વરસને વીતતાં વાર કેટલી!"

શિરસ્તેદારે સિસકારા કર્યા. ઓરતને પહેરેગીરોએ ચૂપ રહેવા ફરમાવ્યું. ન્યાયમૂર્તિ પણ તપી ગયા. એમણે કહ્યું: "ઓરત, તારી માગણીઓ સાથે આ કોર્ટને કશી નિસ્બત નથી."

"તો પછી પૂછો છો શિયા માટે કે બાઈ, તારે કાંઈ કહેવું છે?"

"અદાલતનો એ વ્યવહાર છે."

"સારું, બાપા! વે'વાર માતર કરી લીધા હોય તો હવે મને મારું સાત વરસનું મુકામ બતાવી દિયો. પણ ઊભા રો'. હું કહેતી જાઉં છું. આંહીં બેઠેલાં તમામને, સરકારને, સરકારના હાકેમોને, અને ત્રિભુવનના નાથને પણ કહેતી જાઉં છું, કે સાત વરસે જો જીવતી નીકળીશ તોય દેવકીગામનું ઈવડું ઈ ખેતર ગાયુંને મોઢે મુકાવીશ, અને જો મરીશ તો ચૂડેલ થઈને ત્યાં બેસીશ. બે કરતાં ત્રીજા કોઈ હાલની આશા રાખતા હો તો મેલી દેજો."

એમ કહીને એ પોલીસ-ચોકી વચ્ચે ચાલી નીકળી.

*

"બોલ્યાંચાલ્યાં માફ કરજો, માતાજી!"

"આવજો, ભાઈયું-બોન્યું! મારાય અવગણ માફ કરજો! ઘણાંને સંતાપવા પડ્યાં છે."

"બોલો મા, બોલો મા એવું, આઈ! કાંઈ હુકમ?"

"હુકમ તો શું? સૌને વીનવું છું કે ત્યાં ડુંગરામાં મારા ભાઈ લખમણની અને બીજા નવેયની ખાંભિયું બેસાડજો, અને એની તથ્યે ગાયુંને કપાસિયા નીરજો."

બાઈને અંદર લેવા માટે જ્યારે જેલના દરવાજા ઊઘડ્યા ત્યારે એને વળવવા આવેલાં ગામડિયાં જોડે આટલી વાતો થઈ. બાઈ અદૃશ્ય બની, લોકો બધાં ઊભાં થઈ રહ્યાં. માંહોમાંહ તેમણે વાતો કરી લીધી :

"છે ને કાંઈ ભેંકાર ઊંચો કોટ : કાળો અજગર જાણે મોંમાં પૂંછડું નાખીને ગોળ કૂંડાળે બેઠો છે!"

"બરાબર આપણી હીપાપાટની મગર જોઈ લ્યો!"

૧૭૮
સોરઠ તારાં વહેતાં પાણી