પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લાગી. પાંચેય વિનયવંતોની ટોપીઓ ત્યાં ફૂટબોલો બની ગઈ. ઠોંસા ખાતાખાતા પણ તેઓ, ઈનામને લાયક રહેવાના મક્કમ નિશ્ચયી હતા એથી, ચોપડીઓ જ વાંચતા રહ્યા. એટલે પિનાકીએ તેમના હાથમાંથી ચોપડીઓ ઝૂંટવી લીધી.

હેડમાસ્તર ઓચિંતા કોઈ વંટોળિયાની જેવા આવી ચડ્યા. તેમણે આ ગુંડાશાહી નજરે દીઠી. તેના ભમ્મર ચડી ગયાં. તેમણે હાથમાં સોટી લીધી. જે પહોળા બરડાનું રુધિરસ્નાન કરવા તેમની સોટી ગયા મેળાવડાથી આજ સુધી તલસી રહી હતી, તે બરડો આજે વધુ પહોળો ને ભાદરવાના તળાવ-શો છલકતો બન્યો હતો.

હેડ માસ્તરે પાંચ વિનયવંતો તરફ જોઈ પૂછ્યું : "હરિકૃષ્ણ, શું હતું?"

તોફાન કરનારા છોકરાઓએ પાંચેય સુશીલો પર સામટી આંખોનું ત્રાટક કર્યું.

"કંઈ નહોતું, સાહેબ!" હરિકૃષ્ણે ચોપડીમાં મોં ઢાંકી રાખીને જ જવાબ આપ્યો.

"કંઈ નહોતું?" હેડ માસ્તરે સિંહ-ગર્જના કરી : "નાલાયક! અસત્ય? બોલો તમે, કિરપારામ : શું હતું?"

"કાંઈ જ નહોતું, સાહેબ!" પાંચેય જણ સરકસનાં પારેવા પેઠે પઢી ગયા : "કાંઈ નહોતું, વિનોદ કરતા હતા."

બહુ ભૂખ ખેંચ્યા પછી માણસની ભૂખ મરી જાય છે, ખાવાની વૃત્તિ જતી રહે છે. સોટીબાઈની પણ સ્નાન-ઝંખના શમી ગઈ.

"કેમ ગેરહાજર રહ્યો'તો મારા સમયમાં છેલ્લા પંદર દિવસોથી?" હેડ માસ્તરે પિનાકી પ્રત્યે જોઈ નવું પ્રકરણ ઉપાડ્યું.

"બહારવટિયા-કેસ સાંભળવા જતો'તો."

"કેમ? ત્યાં કોઈ તારી કાકી-માસી થતી'તી?"

"મારી મામી થતાં'તાં એ."

"મશ્કરી કરે છે, એમ?"

"મશ્કરી નથી કરતો."

હેડ માસ્તર શા માટે આ બધી લપ કરતા હતા? પોતાની કરડાઈ માટે આખા કાઠિયાવાડની જાણીતી હાઈસ્કૂલોમાં ધાકભર્યું વાતાવરણ મૂકી આવનાર

૧૮૨
સોરઠ તારાં વહેતાં પાણી