પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

38. ફૂટપાથ પરનો ટ્રાફિક


"શું કરું?" હેડ માસ્તરે ચૂલે ચડેલા હાંડલાની જેમ વરાળ ફૂંકી : "તારા વયોવૃદ્ધ દાદાની મને દયા આવે છે. તને કાઢી મૂકીશ તો એ ડોસો રઝળી પડશે, નહિ તો તને... શું કહું ? બધું અધ્યાહાર જ રાખુ છું હવે તો!"

એક એક શબ્દ પિનાકીના પ્રાણ ઉપર તેજાબના છાંટા જેવો પડ્યો. એથી પણ અધિક, શીળીનો એકેક દાણો બગડી બગડીને કાળી બળતરા લગાડતો સમાઈ જાય તેવા વસમા તો હેડ માસ્તરના અણબોલાયેલા, અધ્યાહાર રહેલા શબ્દો બન્યા. અધ્યાહાર શબ્દો હમેશાં વધુ વસમા હોય છે.

એની આંખો ડોળા ઘુમાવી ઘુમાવી હેડ માસ્તર તરફ નિહાળી રહી. અઢાર વર્ષનો છોકરો આંસુ પાડવાનો શોખીન નથી હોતો. એનાં વિરલાં આંસુ સમજવાં પણ મુશ્કેલ હોય છે. પિનાકીનાં આંસુ ગુલાબની પાંદડીઓ પરનાં ઝાકળ-ટીપાં નહોતાં. હેડ માસ્તર એ સમજી ન શક્યા. એણે માન્યું કે આ છોકરાને પોતાનો ઠપકો અસર કરી રહ્યો છે. એટલે એણે ઉમેર્યું : "યાદ તો કર : તું મારો કેટલો માનીતો વિદ્યાર્થી હતો! આજે તને આ શું થઈ ગયું? તારા નિરાધાર દાદાની પણ દયા નથી આવતી, ગાંડા?"

એટલું કહેતાં હેડમાસ્તર પિનાકીને પસ્તાયેલો ગણી પંપાળવા માટે નજીક ગયા, પણ જેવો એ પિનાકીના ખભા પર પંજો મૂકવા ગયા તેવા જ પિનાકીએ ધગાવેલા સળિયા જેવા એ હાથને ઝટકોરી નાખી, એક ઉચ્ચાર પણ કર્યા વિના, ત્યાંથી ચાલવા માંડ્યું. ને એનાં મૂંગાં હીબકાં છેક દરવાજા બહારથી પણ સંભળાતાં ગયાં.

બીજું બધું જ સાંખી લેવા એ તૈયાર હતો, પણ એને અસહ્ય હતું એક મોટાબાપુજીનું અપમાન. ને હેડમાસ્તરની મોટા બાપુજી પ્રત્યેની અનુકંપાનો એકેએક શબ્દ અપમાનના અકેક ડામ જેવો હતો.

મારા મોટા બાપુજી... રઝળી પડ્યા છે? કોણે કહ્યું કે એ રઝળી પડ્યા છે? એની દયા ખાનારો આ દાતાર કોણ આવ્યો? મારા મોટાબાપુજી કયે દહાડે એની પાસે દિલસોજી ભીખવા ગયા હતા? મેં શું નથી જોયું કે રસાલાના નાળા ઉપર જે જે માઅસો ફરવા જાય છે તે બધા મારા મોટાબાપુજીને પહેલાં 'જે

૧૮૫
સોરઠ તારાં વહેતાં પાણી