પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માણસને કોઈ નારી કંઠમાંથી સંભળાય, ત્યારે એણે જરૂર સમજવું કે ટ્રાફિકના નિયમનો કોઈક મહાન ભંગ પોતાને હાથે થયો હોવો જોઈએ, અને ફૂટપાયરી ઉપર તો ટ્રાફિકની દોરવણી કરનારો કોઈ પોલીસ રાખવામાં આવતો નથી, તેથી, ખાસ કરીને બપોર વેળાના બળબળતા રાજકોટ શહેરના અમુક અમુક નિર્જન પડતા રસ્તાઓ પર, આવા સ્ત્રી-કંઠો જરા સવિશેષ કડક રહેતા હોય છે.

વીફરેલા મિજાજની આ ક્ષણોમાં પોતાને વસ્તુત: આંધળો કહી અપમાનનાર આ અજાણ્યા કંઠ પ્રત્યે પિનાકી બેદરકાર ન રહી શક્યો. હેડમાસ્તરને ચૂપ કરવાની એણે જવા દીધેલી તક એને અત્યારે ઉપકારક નીવડી. એણે મિજાજથી પાછળ જોયું. પણ એના પગ આપોઆપ અટક્યા. એની આંખો ખબરદાર બની. વિફરાટ ઊતરી ગયો. નરમાશે આંખોનાં કિરણોમાં શીતળતા મૂકી. એની નજર જાણે કોઈ વૈશાખ મહિનાના લીલુડા છાસટિયાની નાનકડી એક વાડી ઉપર ઊતરી.

બે જણાંને એણે જોયાં. બંને સ્ત્રીઓ હતી. એક દૂબળા દેહની, કાળા વેશની, કંકણ વિનાનાં કાંડાં, આંખો પર દાક્તરી પાટો. બીજી સોળ-સત્તર વર્ષની : આજથી બે'ક દાયકા પહેલાંના સોરઠને સહજ એવી જુવાનીના લાલ વેલા જાણે કે ચડતા હતા, ઝાલરદાર છીંટના ઝૂલતા ચણિયા પર એક પાટલીએ પોમચાનો પહેરવેશ તે કાળમાં હજુ અવિવાહિત કન્યાઓને આપોઆપ ઓળખાવી આપતો હતો. ને ફૂલેલ બાંયનાં આછાં ગુલાબી પોલકાંનો શોખ હજુ રાજકોટને છોડી નહોતો ગયો. બંગડીઓ અને કાંડાં, એકબીજાનાં વેરી જેવાં, દિવસ-રાત ઝઘડ ઝઘડ કર્યા કરે - અથવા બંગડીઓ, કોઈ વાંદરીઓ જેવી, કાંડાની ઉપર-નીચે ચડઊતર જ કર્યા કરે - એવી નાજુક હાંઠી પણ હજુ સોરઠની કન્યાઓને નહોતી સાંપડી. એવી ચપોચપ બંગડીમાં રાજીખુશીથી બંધાયેલ બે કાંડાં પર થઈને પિનાકીની નજર વનમાં રમતી ખિસકોલી સમી, જ્યારે આ સત્તર વર્ષની કન્યાનાં નેત્રોને મળી, ત્યારે બન્ને ચહેરા પરના ધગધગાટ ઊતરી ગયા.

"કેમ થંભી રહી? કોણ છે એ?" આંખે પાટા બંધાયેલ આધેડ સ્ત્રીએ કન્યાને પૂછ્યું. "હાલવા માંડો, બેટા! એવા તો ઘણાય મવાલીઓ હાલ્યા જાતા હોય."

"રહો - રહો, બા! કોઈક આપણી ઓળખાણવાળા લાગે છે." દીકરીએ

૧૮૭
સોરઠ તારાં વહેતાં પાણી