પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમલદારે ગાડાવાળાનો કાન પકડ્યો અને જંક્શનનો 'ફાયરમેન' જે રીતે 'ટર્ન-ટેબલ'ના સંચા પર એન્જિનને ફેરવે તે રીતે એનું માથું પોતાના તરફ ફેરવી ક્રોધમાં કહ્યું : "ગોટા શું વાળી રહ્યો છો, રોચા? અડબોત ઠોકું?"

પહાડ જેવડા મોટા ખૂની ખૂંટડાને એક પાળેલ કુત્તાની પેઠે શાસનમાં રાખવાની હિંમત ધરાવનાર ખેડૂત પોતાનાથીય નીચા કદના આ માનવીની હાક પાસે મેંઢું બન્યો, બોલ્યો : "સા'બ, આ જગ્યા વંકી છે, પાંચ રૂપિયાના પગારમાં કાઠીને ન પરવડે. કોઈક અભાગિયું મુસાફર સામું મળ્યું હશે તેને ખંખેરતા હશે બેય જણા."

"શું? -શું, મોટાબાપુ?" ભાણો નવી વાર્તાનો મર્મ પકડાવા આતુર બન્યો.

"છાનોમાનો બેસ, છોકરા. આ લે - આ મારી કીરીચ સાચવ." એટલું કહેતો અમલદાર ચાલતે ગાડે નીચે ઠેક્યો, ને એણે ગાડાની પછવાડે આંટો માર્યો. ગાડું તે વખતે 'ભેરવનું નેરું' નામની એક સાંકડી, ઊંડી નદીનો ઢાળ ઊતરતું હતું.

"હં -હં!" ગાડામાંથી મહીપતરામ જમાદારની પત્નીએ સસરાની અદબ સાચવતે-સાચવતે બૂમ મારી : "તમે એકલા ક્યાં ચાલ્યા? નથી જવું, પાછા ગાડે ચડી જાઓ."

"લે - બેસ-બેસ હવે, વેવલી!" ગાડાની પાછળથી બેપરવા જવાબ મળ્યો.

જુવાન પુત્રી હેબતાઈ ગઈ. તાજી સુવાવડી હતી, તેથી એની ચીસ વધુ દયાજનક હતી. "બાપુ! પાછા વળો. મારા -"

"હત ગાંડી! મારી છોકરી કે?" ગાડા પાછળના દૂર-દૂર પડતા અવાજે પુત્રીને 'સોગંદ' શબ્દ પૂરો કરવા ન દીધો.

એ બન્નેને હિંમત આપતા ડોસા ગાડામાંથી ઊતરવાનો પ્રયાસ કરતાં ફક્ત આટલું જ બોલ્યા : "વહુ, મહીપત તો મારો દીકરો છે, જાણો છો ને?"

ત્યાં તો ભેરવના નેરાના સામા કાંઠાના ચડાવ પરથી એક કદાવર આદમી દોડતો આવ્યો, ને ઉપરાઉપરી હાકલા પડકારા કરવા લાગ્યો : "ખબરદાર, જો ગાડું હલ્યું ચલ્યું છે તો ફૂંકી દ‌ઉં છું. કાઢો, ઝટ ઘરેણાં કાઢો : હો-હો-હો-હો...."

ને એ હોકારાના સંખ્યાબંધ પડછંદા નેરાની ભેખડોના પોલાણે પોલાણમાંથી ઊઠ્યા, એટલે ત્યાં દસ-વીસ આદમીઓ હોવાનો ભાસ થયો, ને

૧૨
સોરઠ તારાં વહેતાં પાણી