પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જુવાન વીરમે માથું ઊંચું કરીને આ ભાષણ કરનાર અમલદાર સામે સંદેહભરી મીટ માંડી.

બીજા બધા શૂન્યમાં જોતા બેઠા હતા.

"ઉવાં તમારે બીડિયું, સોપારિયું, સિગરેટું, ખાવાનાં, પીવાનાં, ને વળી દારૂના પણ ટેસ. તે ઉપરાંત -"

ઑફિસરે આમતેમ જોઈને આંખ ફાંગી કરી. પછી વીરમની પીઠ થાબડતે-થાબડતે ધીમેથી કહ્યું: "તમને ઘર સાંભરે ઈ શું સરકાર નથી સમજતી? આ લાખમલાખ ગોરા જુવાનો શું ઠાલા મફતના લડવા આવે છે? શું સમજ્યા? સમજ્યો મારું કહેવું? સૌ સમજ્યા?"

સૌએ ઊંચે જોયું. અમલદારે સ્પષ્ટ કરીને કહ્યું: "આરબોની ને યહૂદીઓની છોકરીઓ દીઠી છે કોઈ દી જનમ ધરીને?"

બધા રીક્રૂટોએ ડોકાં ધુણાવ્યાં.

"તયેં પછી ઈષ્ટદેવનું નામ લઈને ઝટ ચડી જાવ આગબોટમાં. આંહીં શીદ અવતાર ધૂળ મેળવો છો?"

"તયેં તુંય હાલને, સા'બ, અમ ભેળો!" પેથાએ રમૂજ કરી.

"અરે ગાંડિયા! મને વાણિયાને જો ભરતીમાં લેતા હોત તો હું શું તારા કે'વાની વાટ જોઈ બેસત! હું તો ઘરનાં માણસોને ખબરેય ન પડવા દેત, ભૂત!"

લશ્કરી લોહીના બનેલા આ સોરઠી જુવાનોનાં મન સૂનાં હતાં. બિનરોજગારી તેમને દિવસરાત ખાઈ જતી હતી. વિક્રમપુરનો દરિયાકાંઠો જેઓની આજ સુધીની જીવનસૃષ્ટિનો છેડો હતો, તેમની સામે આગબોટ, દરિયાની અનંત છાતી પર પ્રયાણ, બગદાદ-બસરાના અદીઠ પ્રદેશો અને પેલેસ્ટાઈનની ગોરી લલનાઓ તરવરી ઊઠ્યાં. વશીકરણ પ્રબલ બન્યું. તેમાં અમલદારે છેલ્લો મંત્ર મૂક્યો.

"આ લ્યો!" કહીને પોતાની ગાદી ઉપર એણે રૂપિયા બસો-બસોની ઢગલી કરી. "આ તમારાં બાળબચ્ચાંનો પ્રથમથી જ બંદોબસ્ત. લ્યો, હવે છે કાંઈ?"

રૂપિયાની ઢગલી દેખ્યા પછી આ સોરઠી સિપાઈગીર જુવાનોનાં મનને આંચકા મારતી જે છેલ્લી વાત હતી તે પતી ગઈ. પોતાની પછવાડે બાલબચ્ચાંની

૧૯૭
સોરઠ તારાં વહેતાં પાણી