પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શી વલે થાય! એ એમની છેલ્લી વળગણ હતી. સાવજ જેવા પણ એ બાળબચ્ચાંની ફિકર સામે બકરા બની જતા.

"કે'દી ઊપડવાનું, સા'બ?" રણવીરે પૂછ્યું.

"પરમ દિવસ."

"ઠેક." કહીને તેઓ ઊઠયા.

"ને આ લ્યો." અધિકારીએ બીડીઓનાં મોટાં મોટાં બંડલો તેમની સામે ફગાવ્યાં. "ઉપાડો, ઉપાડો જોઈએ તેટલી."

સોરઠી જુવાનોનાં દિલ ભરચક બન્યાં. તેમને લાગ્યું કે કોઈક વાલેશ્રી અમારા ઉપર અથાક વહાલપ ઠલવી રહેલ છે. સામે તેઓ કહેવા લાગ્યા: "હાઉ હાઉ; હવે બસ, સા'બ! ઢગ્ય થઈ ગઈ!"

"લઈ જાઓ. લઈ જાઓ ઘેર. સૌને પીવા દેજો." એમ આગ્રહ કરી કરીને અધિકારીઓએ બીડીઓ બંધાવી.

ત્રીજા દિવસે બસરાની આગબોટમાં પહોંચવા માટે જ્યારે જાલી-બોટ ઊપડી ગઈ ત્યારે પચાસેક ઓરતો અને પચીસ-ત્રીસ બાળકોનું જૂથ સમુદ્રના હૈયા પર પડતા જતા રૂપાવરણા પટા પર પોતાની આંખોને દોડાવતું મૂંગું મૂંગું ઊભું હતું.


41. વટ રાખી જાણ્યું

"ભાણા મહીપતરામ ડોસાએ પથારીમાં પડ્યાંપડ્યાં કહ્યું: "ઘોડીને લઈ જા. દરબાર સુરેન્દ્રદેવજીને સોંપી આવ. હવે એ પશુ આપણા ઘરને ખીલે દુઃખી થશે."

મહીપતરામના જીવનમાં આ પ્રથમ-પહેલી હાર હતી. સંસારની 'હુતુતુતુ' રમતાં એણે પહેલી વાર 'મીણ' કહ્યું. સોરઠના છોકરા હુતુતુતુની રમતમાં સામી બાજુનો પટ ખૂંદે છે, અને ઝલાઈ ગયા પછી મરણતોલ થયે જ 'મીણ' કહે

૧૯૮
સોરઠ તારાં વહેતાં પાણી