પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે એણે ન લીધો. ઊઠીને એણે બેઠક રચી, આંખો ફાડી પૂછ્યું : "મેં તને ઘોડી વેચવા મોકલ્યો હતો?"

પિનાકીના મોંમાંથી જવાબ તો શું છૂટવાનો હતો? - મહીપતરામના હાથની એક અડબોત છૂટી. પિનાકીના ગાલ ઉપર લોહી ધસમસ્યું - નવા ઘાસની મોકળી ચાર ચરીને ડામણ સોતા વછેરા ઊભી વાટે ધસે છે એવી રીતે.

એ અડબોતના શ્રમે મહીપતરામને ગાદલામાં પાછા પછાડ્યા. એની આંખોએ ભાગ્યે જ કદી આંસુ ભાળ્યાં હતાં. ઘણાં વર્ષો પછી પ્રથમ વાર ફક્ત એક જ રેલો એની પાંપણોના વાળ પલાળીને એના કાનને કોઈ છાની કથા સંભળાવવા ચાલ્યો ગયો. છાતી પર હાથ દબાવીને એ પડખું ફરી ગયા. રડતા પિનાકીએ એના પગોને અડકીને કહ્યું : "બાપુજી, મારી ભૂલ થઈ."

એનો જવાબ મહીપતરામે પગના ધીરા ધક્કાથી વાળ્યો. ખાટલા પરથી ઊઠી જવાનો એ મૂંગો આદેશ હતો.

લબડેલ કાયાવાળાં મોટીબા ત્યાં આવીને ચૂપચાપ ઊભાં રહ્યાં. એણે પિનાકીને ઓરડાની બહાર લીધો.

થોડી જ વાર પછી ખડકીની બહાર એક 'ડૉગ-કાર્ટ' (નાની ઘોડાગાડી) રણઝણી. હાથમાં ચમરી લઈને સુરેન્દ્રદેવજીનો કોચમેન અંદર આવ્યો; કહ્યું : "દરબાર સાહેબ તબિયત જોવા આવે?"

પિનાકીની તો પૂછવા જવાની તાકાત નહોતી. મોટીબાએ પથારી પર જઈને પૂછ્યું : "દરબાર સાહેબ આવ્યા છે."

"ભેળું કોઈ છે?"

"ડીપોટી સુપ્રિન્ટન સાહેબ લાગે છે."

"હાં - હાં? મારો વાલેશરી આવ્યો છે? મને ટાંટિયા ઢસરડતો જોવા કે? ઊભા રહો. મારો ડગલો લાવો. મારો ફેંટો લાવો ને મારી લાકડી લાવો. મને-મને ઝટ ઝટ પૂરાં કપડાં પહેરાવો."

કોણ જાણે ક્યાંથી શરીરમાં કાંટો આવ્યો. ગળાની હાંફણને એણે હોઠ અને દાંતની ભીંસ પછવાડે દબાવી રાખી. પૂરા પોશાકે એ ખુરસી પર ચડીને બેઠા. ઢોલિયા પર નવી ચાદર બિછાવરાવીને તે પર પરોણાનું આસન રખાવ્યું.

૨૦૦
સોરઠ તારાં વહેતાં પાણી