પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાછલે કાંઠેથી બીજા વિશેષ મરદોનું જૂથ ચાલ્યું આવતું હોય તેવો પ્રભાવ પાડતી વિવિધસ્વરી હાકો સંભળાઈ.

"ઓ - મારી બા!" કરતી એક ઝીણી ચીસે ગાડાના જાણે બે ટુકડા કરી નાખ્યા, ને 'દીકરી! દીકરી!' કરતી માતાએ એ કાળચીસ પાડનાર પુત્રીને ખોળામાં લપેટી.

સામે ઊભેલા માણસના હાથમાં બંદૂક જેવું કશુંક હતું. એક રસીનો છેડો તાજા લોહીના ટીપા જેવો સળગતો હતો.

"કોણ છે, કોણ છે, એ હેઈ!" એ અવાજ ભાણાનો હતો. ભાણો ગાડાવાળાની બાજુમાં ઊભો થઈ કીરીચ ખેંચતો ગયો.

"હવે કોણના દીકરા! તારી માને કહે કે ઝટ દાગીના નાખી દે નીચે."

એટલું કહેતાં તો એ બોલનારના કંઠમાં પાછળથી ઓચિંતો કશીક રસીનો ગાળિયો પડ્યો, ને નીચેથી ખેંચાતા એ ગાળિયાને જોરે પહાડ જેવડા એ આદમીની ગરદન મયૂરાસનને પંથે પાછળ બંકી બની; ને એની કમર પર એક જોરાવર લાતનો પ્રહાર પડતાં એ લૂંટારાનું મયૂરાસન આગળ વધ્યું.

રસી સખ્ત બનતી બનતી એના ગળાને પાપડના લોટના ગોરણાની પેઠે કાપવા લાગી હતી.

"બેટા," રસીને વધુવધુ ભીંસતો એ ઠીગણો પુરુષ કહેતો હતો : "દાગીના તો અમારી ભામણાંની પાસે બીજા શા હોય? તારા ગળાને શોભે તેવી માત્ર આ જનોઈ જ અમારો દાગીનો : લે, બેટા, પરણવા ચડ!"

મહીપતરામ જનોઈને હંમેશાં શૌચાદિની સગવડ માટે ખભાને બદલે ગળામાં જ વીંટી રાખતા હતા, તેથી તે એને તત્કાલ કામ આવી ગઈ.

"મોટાબાપુ! મોટાબાપુ!" ભાણાએ અવાજ ઓળખ્યો; એનો સ્વર હર્ષથી ફાટી ગયો : "મોટાબાપુ!"

"કોણ - મહીપત!" બૂઢ્ઢા નીચે કૂદ્યા. "રંગ! મેં કહ્યું નહોતું, વહુ, કે મહીપત કોનો દીકરો છે? મારો છે - મારો."

પડેલા જુવાનની છાતી પર મહીપતરામ ચડી બેઠા, ને પેલાના ગળા પર જનોઈ કસકસતી રાખી, એની બંદૂક ઝૂંટવી બોલ્યા : "જોઉં તારી.... ઓહો! રંગ! કરામત જબરી! બાપુ, જુઓ - જુઓ - આણે બંદૂક કેવી બનાવી છે તે."

૧૩
સોરઠ તારાં વહેતાં પાણી